લખનૌઃ સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનને રામપુરની કોર્ટે હેટ સ્પીચ કેસમાં કસુરવાર ઠરાવ્યાં હતા. ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે સપા નેતાને દોષિત ઠરાવીને ત્રણ વર્ષની સજા ફરમાવી હતી. આઝમ ખાન અને અન્ય 2 આરોપીઓને 3 વર્ષની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કેસની હકીકત અનુસાર આઝમ ખાને વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને સજા પણ ફરમાવી હતી. આઝમ ખાન પર યોગી આદિત્યનાથ અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ અંજનેય કુમાર સિંહ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ હતો.
આઝમ ખાન વિરુદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે તેમાં ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઈ હતી. આઝમ ખાનને હવે રાજ્ય વિધાનસભાની સદસ્યતા ગુમાવવાનો ડર છે. સમાજવાદી નેતા પર ભ્રષ્ટાચાર અને ચોરી સહિતના 90 જેટલા કેસ છે. આ વર્ષની શરૂઆતમાં, તેમને કથિત છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જમીન પચાવી પાડવાના કેસમાં તે લગભગ બે વર્ષથી જેલમાં હતો.
(PHOTO-FILE)