દિલ્હી:સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે શુક્રવારે બૂસ્ટર ડોઝ તરીકે સ્પુતનિક લાઇટના ઉપયોગને મંજૂરી આપી હતી.આ સંદર્ભમાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનની સમિતિએ એક અઠવાડિયા પહેલા સ્પુતનિક-વીવેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે આપવાની ભલામણ કરી હતી.સરકારના આ નિર્ણય બાદ લગભગ 6,50,000 લોકો જેમણે સ્પુતનિક Vનો પ્રથમ ડોઝ લીધો હતો તેઓ હવે ખાનગી રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ મેળવી શકશે.આ મામલાથી વાકેફ લોકોએ કહ્યું છે કે તેની વિગતોની જલદીથી પુષ્ટિ થવી જોઈએ.
નામ જાહેર ન કરવાની શરતે, તેમણે કહ્યું કે જે લોકોએ સ્પુતનિક V લીધું છે તેમને તેમનો બૂસ્ટર ડોઝ મળશે તેની ખાતરી કરવા માટે પ્રક્રિયા પણ શક્ય તેટલી વહેલી તકે શરૂ થવી જોઈએ.હાલમાં, ફાર્મા કંપની ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ પાસે રશિયન એન્ટિ-કોવિડ રસીના માર્કેટિંગ અને વિતરણ અધિકારો છે.આને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે,કંપનીએ સ્પુતનિક-વીને CoWIN પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે ઉત્પાદન ભાગીદારો, હોસ્પિટલો અને સરકાર સાથે ચર્ચા શરૂ કરી છે.
કંપનીએ તેના નિવેદનમાં કહ્યું, ‘હવે મંજૂરીની સત્તાવાર પુષ્ટિ મળ્યા પછી, અમે ભારતમાં ઉત્પાદન ભાગીદારો સાથે કામ કરી રહ્યા છીએ.’ અન્ય એક અધિકારીએ કહ્યું કે,ગયા વર્ષે સ્પુતનિક-વીનો પ્રારંભિક ડોઝ રશિયાથી આવ્યો હતો, પરંતુ બૂસ્ટર ડોઝ માટે ભારતીય ઉત્પાદકોએ રશિયા સાથે ભાગીદારી કરી છે.કારણ કે, જથ્થો ખૂબ મોટો નથી,દરેકને તેનું ઉત્પાદન કરવા માટે કહી શકાય નહીં.