વુમન્સ એશિયા કપની ફાઈનલમાં ભારતને હરાવીને શ્રીલંકા બની ચેમ્પિયન
નવી દિલ્હીઃ વુમન્સ એશિયા કપની ફાઈનલ મેચ રવિવાર ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 165 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમે 18.4 ઓવરમાં ટાર્ગેટ પાર પાડ્યો હતો. આમ ભારતીય મહિલા ટીમને હરાવીને શ્રીલંકા ટીમને ચેમ્પિયન બની હતી.
ટીમ ઈન્ડિયાએ આપેલા 166 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વિશ્મી ગુણારત્ન 1 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જોકે, બાદમાં ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ 80થી વધુ રનની ભાગીદારી કરી ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. અટાપટ્ટુએ 43 બોલમાં 2 સિક્સ અને 9 ફોરની મદદથી 61 રન નોંધાવ્યા હતા. જ્યારે હર્ષિતાએ અણનમ 69 રનની ઈનિંગ રમી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન સ્મૃતિ મંધાનાએ નોંધાવ્યા હતા. તેણે સતત બીજી મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે 47 બોલમાં 10 ફોરની મદદથી 60 રન બનાવીને કવિશા દિલહારીનો શિકાર બની હતી. ત્યારબાદ રિચા ઘોષે 30 રન નોંધાવ્યા હતા.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
ભારતની ટીમ: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ઉમા છેત્રી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રેણુકા સિંહ અને તનુજા કંવર.
શ્રીલંકાની ટામ: વિશ્મી ગુણારત્ને, ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), હસીની પરેરા, ઈનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધિની, સુગંધિકા કુમારી અને સચિની કુમારી.