ભારત સામે વન-ડે સીરિઝ ગુમાવનાર શ્રીલંકાને વધુ એક ફટકોઃ સ્લો ઓવર રેટ મુદ્દે દંડ કરાયો
દિલ્હીઃ શ્રીલંકા અને ભારત વચ્ચે 3 મેચની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ 20મી જુલાઈના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે હરિફ શ્રીલંકાને પરાજય આપ્યો હતો. સીરિઝ ગુમાવ્યા બાદ શ્રીલંકા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના ખેલાડીઓને સ્લો ઓવર રેટ મામલે મેચ ફીસના 20 ટકા દંડ ભરવો પડશે. આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ કપ સુપર લીગ પોઈન્ટ ટેબલમાં એક પોઈન્ટનું પણ નુકશાન થશે.
આઈસીસી મેચ રેફરી રંજન મદુગલેએ દસુન શનાકાની કેપ્ટનશીપ હેઠળની શ્રીલંકન ટીમને આ સજા સંભળાવી છે. શ્રીલંકાએ નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી નાખી હતી. જેથી તેમને આ દંડ કરાયો છે. શ્રીલંકા પોઈન્ટ ટેબરમાં 12માં નંબર છે. શ્રીલંકાને આ રીતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં ત્રીજી વાર પોઈન્ટ ગુમાવવો પડ્યો છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ સજા સ્વીકારી લીધી છે. જેથી મામલાની ઓપચારિક સુનવણીની કોઈ જરૂર પડી ન હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝ ચાલી રહી છે. પ્રથમ મેચમાં ભારતે 7 વિકેટથી અને બીજી મેચમાં 3 વિકેટથી શ્રીલંકાને હરાવ્યું હતું. આમ ભારત શ્રેણીમાં 2-0થી આગળ છે. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 23મી જુલાઈના રોજ રમાશે.
(PHOTO-FILE)