ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે બોર્ડનું પરિણામ વહેલા તૈયાર કરવાનું હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોને સમયસર કામગીરી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન 30મી માર્ચને શનિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા અને 31મી માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા યોજાવાની હોવાથી આ બન્ને પરીક્ષા જે કેન્દ્રોમાં ગોઠવવામાં આવી હોય તેવા કેન્દ્રોમાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી બંધ રાખવામાં આવશે. આથી બે દિવસ બંધ રહેલા મધ્યસ્થ મૂલ્યાંકનને પગલે દરરોજ એક કલાક વધુ કામગીરી કરવાની પણ સુચના આપવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી વચ્ચે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ કોમન પ્રવેશ પરીક્ષા સેટ તારીખ 30મી, માર્ચ-2024ના રોજ યોજાશે. સેટ પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે શૈક્ષણિક સંસ્થાઓના બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં મધ્યસ્થ મૂલ્યાંકનવાળા કેન્દ્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેજ રીતે તારીખ 31મી, માર્ચના રોજ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની ઇજનેરી સહિતના ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માટે ગુજકેટ પરીક્ષા લેવાશે. ગુજકેટની પરીક્ષા માટે પણ બેઠક વ્યવસ્થામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોનો પણ ઉપયોગ કરાયો છે. આથી તારીખ 30મી, માર્ચ-2024 અને તારીખ 31મી, માર્ચ-2024ના રોજ જે કેન્દ્રોમાં સેટ અને ગુજકેટની પરીક્ષાના લેવાશે. તેવા કેન્દ્રોમાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી બંધ રાખવાની રહેશે. આથી આ બે દિવસના વિલંબને પગલે આગામી દિવસોમાં દરરોજ એક કલાક વધુ સમય માટે મૂલ્યાંકનની કામગીરી ચાલુ રાખવાનો આદેશ કરાયો છે.
આ વર્ષે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ-10 અને 12નું પરિણામ વહેલા આપી દેવાનું હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં વધારો કરવાની સાથે સાથે તબક્કાવાર કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં કામગીરી સમયસર પુરી કરવા માટે સમયપત્રક આપી દેવામાં આવ્યું છે. ઉપરાંત મધ્યસ્થ મૂલ્યાંકન કરેલી ઉત્તરવહીઓને ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે મોકલવાનું પણ આયોજન કરાયું છે.