અમદાવાદ: નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. 6 વર્ષમાં એક દિવસ ઓછો હશે તો પણ બાળકોને પ્રવેશ નહીં મળે, આથી આશરે ત્રણ લાખ જેટલા બાળકોને પ્રિ-પ્રાયમરીમાં રિપિટ કરવા પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની વયમર્યાદા વધારીને 6 વર્ષ કરી દેવાઈ છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)ના નિયમ અંતર્ગત 2023-24થી ફરજિયાતપણે છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે. સરકારના આ નિર્ણયના કારણે અંદાજિત ત્રણ લાખ વિદ્યાર્થીઓને પ્રિ-પ્રાયમરી રિપીટ કરવું પડશે. 1 જૂન 2023 સુધીમાં જે વિદ્યાર્થીઓને છ વર્ષ પૂર્ણ થવામાં થોડાક મહિના કે દિવસો ખૂટતા હોય તેમને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવે તેની રજૂઆત વાલીઓના પ્રતિનિધિઓ દ્વારા મોટા શહેરોના જિલ્લા શિક્ષણ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, વયમર્યાદાના માપદંડનું પાલન 2023થી કડકાઈથી કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ધોરણ 1માં છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા જ વિદ્યાર્થીને પ્રવેશ આપવાના માપદંડના કારણે અંદાજિત ત્રણ લાખ વિદ્યાર્થીઓને પ્રિ-પ્રાયમરીનું શિક્ષણ રિપીટ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રી-પ્રાયમરીમાં એડમિશનની પ્રક્રિયા અગાઉ રાજ્ય સરકાર નિયંત્રિત નહોતી એટલે જ નર્સરી, જૂનિયર અને કિન્ડરગાર્ડનમાં પ્રવેશ મેળવવા માટે વયમર્યાદાનો કોઈ માપદંડ નહોતો. પરિણામે એવા અસંખ્ય કિસ્સા છે જેમાં અઢી વર્ષના બાળકને નર્સરી સ્કૂલમાં પ્રવેશ આપી દેવાયો હોય. જોકે, આખરે હવે વયમર્યાદા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. હવે નવા શૈક્ષણિક સત્રથી 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને જ પહલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.