વાવાઝોડા બાદ એસટી બસ વ્યવહાર પુનઃ શરૂ કરાયોઃ દીવ, ઉના, રાજુલાના રૂટ્સ બંધ
રાજકોટ : તાઉ-તે વાવાઝોડાને કારણે ગુજરાત એસટી નિગમે તમામ એસટી બસ વ્યવહાર બંધ કર્યો હતો. દરમિયાન વાવાઝોડું આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થતા એસટી બસ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ કરવામાં આવી રહ્યો છે. જોકે જે વિસ્તારોમાં વાવાઝોડાએ વધુ નુકશાન કર્યુ છે અને રસ્તાઓ બંધ છે ત્યાં હજુ બસ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો નથી. રાજકોટ ડિવિઝને 9 ડેપોની બસ સેવા શરૂ કરી દીધી છે.
તાઉતે વાવાઝોડાના પગલે રાજકોટ એસટી ડેપોની તમામ બસો રદ કરવામાં આવી હતી ત્યારે વાવાઝોડુ અન્ય દિશા તરફ વળતા રાજકોટમાં વાતાવરણ સામાન્ય બની રહયુ છે. સાથે રાજકોટ બસપોર્ટ સહિત ડિવિઝનના 9 ડેપોની બસ સેવા સવારથી શરુ કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે અનેક શહેરો અસરગ્રસ્ત બન્યા છે. જેના કારણે અસરગ્રસ્ત દીવ, ઉના, વેરાવળ, કોડીનાર, રાજુલા, બગસરા રુટની બસો હજુ પણ બંધ રાખવામાં આવી છે. તાઉતે વાવાઝોડા એ બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે નુકશાની વેરી હતી. ત્યારે સાવચેતીના ભાગરૂપે મંગળવારે રાજકોટ એસટી ડેપો ડીવીઝનની તમામ બસો સંપુર્ણ બંધ રાખવામાં આવી હતી.
બસ ડેપો ખાલી ખમ હતુ.ભારે પવન ફુંકાવાના કારણે વૃક્ષો, હોલ્ડીંગ, બેનરો, મકાનો ધરાશાયી થયા હતા. જેના કારણે અનેક રસ્તાઓ બ્લોક થઇ ગયા. હાલ આ તમામ રસ્તા ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આથી દીવ, ઉના, વેરાવળ, કોડીનાર, રાજુલા, બગસરા રૂટની બસો હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. સાંજ સુધીમાં કામગીરી પાર પડતા રસ્તાઓ સ્વચ્છ થયા બાદ એસટી બસો શરુ કરવામાં આવશે.રાજકોટ ડીવીઝનના 9 ડેપોની બસો સવારથી શરુ થયેલ છે. ત્યારે એસટી બસ ડેપોમાં સવારથી મુસાફરોની ચહલ પલ પણ જોવા મળી રહી છે.