Site icon Revoi.in

અમદાવાદના SG હાઈવે પર હવે ST બસો ઓવરબ્રિજને બદલે સર્વિસ રોડ પરથી દોડશે

Social Share

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર ઈસ્કેન, પકવાન સહિત અનેક ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. ત્યારે એસટી બસો ઓવરબ્રીજ પરથી પસાર થતી હોય ઓવરબ્રીજ નીચે આવેલા એસટી સ્ટેન્ડ પર મુસાફરોને બસની રાહ જોઈને બેસી રહેવું પડે છે.  ડાયરેક્ટ ઓવરબ્રીજ ઉપરથી એસ ટી બસો પસાર થઇ જતી હોવાથી મુસાફરોમાં રોષ ઉઠવા પામ્યો હતો. આથી એસ ટી નિગમે આદેશ કર્યો છે કે એસટી બસો હવેથી સર્વિસ રોડ ઉપરથી હંકારવાની રહેશે. ઉપરાંત સર્વિસ રોડ ઉપરના પીકઅપ સ્ટેન્ડ ઉપરથી મુસાફરો લેવા અને ઉતારવાના રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સરખેજ, સાણંદ, ધોળકા, ધંધુકા, વિરમગામ, બાવળા, બારેજા સહિતના વિસ્તારોના રૂટ્સની લોકલ, એક્સપ્રેસ, સુપર ડિલક્ષ, વોલ્વો સહિતની એસટી બસો એસજી હાઈવે પરથી દોડાવવામાં આવી રહી છે. જોકે એસ જી હાઇવે ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવતા એસ ટી બસોને સર્વિસ રોડ ઉપર હંકારવાનો આદેશ એસ ટી નિગમે કર્યો છે. તેમ છતાં બસના ડ્રાઇવરો દ્વારા એસ ટી બસોને સર્વિસ રોડને બદલે ઓવરબ્રીજ ઉપરથી હંકારવામાં આવી રહી છે. જેને પરિણામે એસ ટી બસમાં અપડાઉન કરતા અને મુસાફર પાસ કઢાવેલા મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત કેટલાક શહેરો તેમજ સરખેજ, સાણંદ, ધોળકા, ધંધુકા, વિરમગામ, બાવળા, બારેજા સહિતના વિસ્તારોના રૂટ્સની એસટી બસો એસજી હોઈવે પરથી દોડાવવામાં આવી રહી છે. પરંતુ એસટી બસો પોતાના નિયત સ્ટેન્ડ પર આવવાને બદલે સીધી ઓવરબ્રીજ પરથી પસાર કરવામાં આવતી હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકી પડે છે. તેથી એસ ટી નિગમમાં લેખિતમાં ફરીયાદ કરાતા આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યુ છે. હવે એસ જી હાઇવે ઉપરથી પસાર થતી તમામ પ્રકારની બસોના ડ્રાઇવર અને કંડક્ટરોએ બન્ને તરફના સર્વિસ રોડ ઉપરથી બસો હંકારવાની રહેશે. ઉપરાંત સર્વિસ રોડ ઉપર આવતા તમામ પીકઅપ સ્ટેન્ડ ઉપરથી મુસાફરો લેવા અને ઉતારવાના રહેશે. આ આદેશનું ચુસ્તપણે પાલન થાય તે માટે આકસ્મિક ચેકિંગ કરીને તેનો રિપોર્ટ આપવાનો રહેશે. ઉપરાંત દરેક કર્મચારીઓને લેખિતમાં જાણ કરી તેમની સહી લેવાની રહેશે. તેમ છતાં જો કોઇ કર્મચારી આદેશનું પાલન નહી કરે તો કડક પગલાં લેવાશે તેવો આદેશ નિગમે કર્યો હોવાનું કહેવાય છે.