અમદાવાદઃ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે જાહેર પરિવહન સેવાના વાહનો પણ ઈલેક્ટ્રિક્સ (ઈવી)માં તબદિલ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં બીઆરટીએસની કેટલીક બસો ઈલેક્ટ્રિક બનાવીને દોડાવવામાં આવી રહી ચે તેને સારીએવી સફળતા મળી છે.હવે એસટી નિગમ પણ ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરી રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર એસ ટી ડેપોને ડિસેમ્બર સુધીમાં 20 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. આ ઇલેક્ટ્રિક બસને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે. જોકે એસ ટી નિગમ દ્વારા ત્યાર બાદ અમદાવાદ-બરોડા અને અમદાવાથી રાજકોટ ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે.
ગાંધીનગરને હરિયાળું શહેર બનાવવાની સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં ઇલેક્ટ્રિક બસો 3 તબક્કામાં દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ તબક્કામાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને પરિણામે એસ ટી નિગમ દ્વારા વર્ષ 2021-22ના નાણાકીય વર્ષના બજેટમાં તેના માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. જોકે કોરોનાની મહામારીને પગલે ઇલેક્ટ્રિક બસો દોડાવવાની યોજના આઠેક માસ જેટલી મોડી શરૂ થઈ છે પરંતુ આગામી ડિસેમ્બર, 2021 માસમાં ગાંધીનગર ડેપોને 20 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનારી હોવાનું એસ ટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે.
એસ ટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ડેપોને ડિસેમ્બર સુધી 20 અથવા વધુમાં વધુ 30 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવશે. આ બસો અમદાવાદ ડિવિઝનમાં આપવાની હોવાથી તેનો લાભ ગાંધીનગર ડેપોને મળશે. ઇલેક્ટ્રિક બસને ચાર્જ કર્યા બાદ તે 200થી 220 કિમી સુધી ચાલશે. જોકે બસ બેટરીથી ચાલતી હોવાથી તેમાં 180 કિલો વોટની લિથીયમ પ્રકારની બેટરીની સુવિધા ઇલેક્ટ્રિક બસમાં છે. આથી એક બસને ફાસ્ટ ચાર્જિંગ ત્રણ કલાક જેટલો સમય લાગતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગાંધીનગરના ડેપોને ફાળવવામાં આવનાર ઇલેક્ટ્રિક બસથી પ્રદૂષણ થતું અટકાવશે પરંતુ એક બસની કિંમત રૂપિયા 1.30 કરોડની છે. ઉપરાંત ઇલેક્ટ્રિક બસમાં ભાડાના દરમાં વધારો કરવો કે નહી તે અંગે એસ ટી નિગમ દ્વારા આગામી સમયમાં નિર્ણય લેશે. ગાંધીનગર ડેપોને ફાળવવામાં આવનારી 20 ઇલેક્ટ્રિક બસ વાતાનુકૂલિત રહેવાથી મુસાફરોને વધારે અનુકૂળ રહેશે. ઉપરાંત એક બસમાં 33 મુસાફરોને બેસવાની ક્ષમતા રહેશે. ઇલેક્ટ્રિક બસોમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે. ઉપરાંત ઇલેક્ટ્રીક બસો હોવાથી તેના ચાર્જિંગ માટેની સુવિધા ડેપોમાં આગામી સમયમાં ઉભી કરાય તેવી શક્યતા રહેલી છે.