અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 3 થી 12 માં તમામ કસોટીઓની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની શિક્ષકોને ફરજ પાડતા વિરોધ ઊઠ્યો છે. શિક્ષકો ડેટા એન્ટ્રીના કામમાં જોતરાતા વર્ગખંડ માટે સમય ફાળવી શકતા નથી. શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીઓને મળી આ અંગે રજૂઆત કરાયા બાદ રાજ્યના તમામ શિક્ષકો પ્રબુદ્ધ નાગરિકો શિક્ષણવિદોના અભિપ્રાય મેળવવા એક લિંક શેર કરવામાં આવી છે. અને તમામ અભિપ્રાયોના પૃથ્થકરણ બાદ ફરીથી સરકારમાં રજૂઆત કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ધો.3 થી 12 માં લેવાતી વિવિધ સાપ્તાહિક, માસિક એકમ કસોટી તેમજ વર્ષની શાળાકીય પરીક્ષાઓનું મૂલ્યાંકન કરી આ તમામ ડેટાને ઓનલાઇન એન્ટ્રી કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વધુ પડતી એકમ કસોટીને કારણે થતી વિપરીત અસર અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રી કુબેર ડીંડોર તથા શિક્ષણમંત્રી (રાજ્યકક્ષા) પ્રફુલ પાનસેરીયાને રજૂઆત કરી વિદ્યાર્થી હિતમાં સુચારું રીતે, લાંબો સમય અસરકારક રહે તેવી પદ્ધતિ બનાવવા પુનઃવિચારણા કરવા અંગે ચર્ચા વિચારણા તથા રજૂઆત કરાઇ હતી. તેમજ સંગઠનની ઓનલાઇન બેઠક માં નક્કી થયા પ્રમાણે રજૂઆત કરતાં એક સૂત્રતા રહે તથા એકમ કસોટી લેવાનો હાર્દ પણ સચવાય એ મુજબ રાજ્યના મુખ્ય લોકોનું એક અધ્યયન ગૃપ બનાવી પોઈન્ટ કાઢી લિંક બનાવી છે. આ સર્વે 15 ફેબ્રુઆરી રાત્રિના 12:00 વાગ્યા સુધી ચાલશે. 15 ફેબ્રુઆરી બાદ મળેલ વિવિધ ડેટાનું એનાલિસિસ કરી સરકાર સમક્ષ રજૂઆત કરાશે.
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની ધોરણ 3 થી 12 ની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં લેવાતી એકમ કસોટી બાબતનું સર્વે ફોર્મ ભરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષકો વગેરેને અપીલ કરાઈ છે કે વર્તમાન સ્થિતિમાં એકમ કસોટીના અતિશય ભારણ તથા દરેક વિદ્યાર્થીના ગુણ ઓનલાઈન કરવાની કામગીરીથી શિક્ષક વર્ગખંડ માટે ઓછો સમય આપી શકે છે. આ કારણસર ઓનલાઈન સર્વે કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઇ છે. માટે શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ આ સર્વે ફોર્મ ભરે એ જરૂરી છે. (file photo)