Site icon Revoi.in

એસ.ટી.ના કર્મચારીઓને 30 જૂન સુધી વેક્સિન લેવા સૂચના પણ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં હવે વેપારીઓ તેમજ જાહેર સેવાના કર્મચારીઓ માટે ફરજિયાત વેક્સિન માટે સુચના આપવામાં આવી છે. તા.21 જૂનથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન અપાઈ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનના ડોઝ ખૂટી પડતાં રસીકરણ કેન્દ્રો પણ વેક્સિન નહીં હોવાના બોર્ડ લાગ્યાં છે. એટલું જ નહીં અમદાવાદ બસ સ્ટેશન પર બે દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવેલ વેક્સિન સેન્ટર પણ બંધ કરી દેવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ રાજ્યના તમામ બસ ડેપો પર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં લગભગ 50 ટકા જેટલા કર્મચારીઓએ વેક્સિન લીધી હતી.જોકે આ સૂચના બાદ 2 દિવસથી અમદાવાદ સેન્ટ્રલ એસ ટી ડેપો પર વેક્સિન સેન્ટર ઉભું કરાયું હતું. જેમાં 1 દિવસમાં 100 થી વધુ લોકોને વેક્સિન અપાઈ અને બીજા દિવસે પણ 80 થી 90 લોકોને વેક્સિન અપાઈ હતી ત્યારબાદ રસીકરણ કેન્દ્રો પર વેક્સિન ખુટી પડી હતી.આજે રવિવારે પણ આ વેક્સિન સેન્ટર ખાલીખમ જોવા મળ્યા હતી. સવારથી જ સેન્ટર પર AMCની ટીમ આવી ન હતી.

રાજ્યમાં જાહેર સ્થળો જેમાં એરપોર્ટ,રેલવે સ્ટેશન અને એસ.ટી બસ સ્ટેન્ડ કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય ત્યાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવું જરૂરી છે પરંતુ એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં તો ત્યાંના સ્ટાફ સહિત મુસાફરોને પણ વેક્સિન અપાઈ છે.જ્યારે એસ.ટી બસ સ્ટેન્ડ પર તો એસ.ટી કર્મચારીઓ ને જ વેક્સિન માટેની વ્યવસ્થા નથી.તો મુસાફરો માટે વેક્સિનની વાત કરવી જ યોગ્ય નથી. બીજી તરફ સરકાર તરફથી આ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે 30 જૂન સુધી વેક્સિન લેવી ફરજીયાત છે. ત્યારે હવે જો આ રીતે જ વેક્સિનેશન સેન્ટર એસ.ટી સ્ટેન્ડ પર બંધ રહ્યા તો પછી કર્મચારીઓને શહેરમાં અલગ અલગ સેન્ટરોએ વેક્સિન માટે ધક્કો ખાવાનો વારો આવી શકે છે.