Site icon Revoi.in

ગુજરાતના એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં, હવે માસ સીએલ પર જશે

Social Share

રાજકોટઃ રાજયનાં એસ.ટી. કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના ઉલેક માટે  ફરી એકવાર લડત શરૂ કરી છે.  સૌરાષ્ટ્ર વિવિધ એસટી ડેપો પર એસટી કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે. ગુરૂવારે પણ રાજકોટ, જુનાગઢ, અમરેલી સહિત રાજયભરમાં વિભાગીય કચેરીઓ સામે એસટી કર્મચારીઓએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જુનાગઢમાં પણ  એસટીની વિભાગીય કચેરી સામે એસટી કર્મચારીઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. જો માંગણીઓ નહીં સ્વીકારાય તો 3જી નવેમ્બરથી એસટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

એસટી નિગમના કર્મચારીઓ દ્વારા પગાર વધારો,  હંગામી કર્મચારીઓને કાયમી કરવા, ગ્રેચ્યુટી દર, મોંઘવારી ભથ્થાની રકમ આજ સુધી ચુકવાઈ નથી, વર્ગ-4ના કર્મચારીઓને એપ્લેમેન્ટ કરાર મુજબ બોનસ ચુકવણી,  7માં પગાર પંચના એરીયર્સ હપ્તાની ચુકવણી, ચડત રજાનું રોકડમાં રૂપાંતર કરવા, 7માં પગારપંચમાં કંડકટરના પગાર ધોરણમાં વિસંગતતા દુર કરવી, ત્રિપલ સી કોમ્પ્યુટર પરીક્ષામાંથી કર્મચારીઓને મુકિત આપવા સહિતના વિવિધ 18 પડતર પ્રશ્નો મુદ્દે વારંવાર લેખિત મૌખિક રજુઆતો, પત્ર વ્યવહાર કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા રાજ્યભરના એસટીના કર્મચારીઓએ લડત આરંભી છે. અને આગામી તા.3/10ના રોજથી તમામ કર્મચારીઓ અચોકકસ મુદત માટે માસ સીએલ ઉપર ઉતરી જશે તેવી ચીમકી પણ આપી હતી.

સૌરાષ્ટ્રમાં તમામ ડેપો પર એસટીના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા.જેમાં જુનાગઢના  મોતીબાગમાં આવેલી એસટી વિભાગીય કચેરી પાસે એસટી કર્મચારીઓએ કાળી પટી ધારણ કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. આગામી એક સપ્તાહમાં પડતર માંગણીઓનો નિકાલ નહીં કરવામાં આવે તો 2જી નવેમ્બરની મધ્યરાત્રીથી કર્મીઓ માસ સીએલ પર ઉતરી જ જશે તેમજ એસટીના પૈડા થંભી જશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ગુરૂવારે  અમરેલી, સાવરકુંડલા, ગઢડા સહિતના એસટી ડેપોમાં બપોરના સમયે માંગણીના અનુસંધાને સુત્રોચ્ચાર કરાયા હતા અને એસટીના કર્મચારીઓ દ્વારા પોતાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી તા.3/10ના રોજથી તમામ કર્મચારીઓ અચોકકસ મુદત માટે માસ સીએલ ઉપર ઉતરી જશે તેવી ચીમકી પણ આપી હતી.