Site icon Revoi.in

એસટીના કર્મચારીઓ પોતાની પરિવાર સાથે દિવાળી ન મનાવી સેવા આપે છેઃ હર્ષ સંઘવી

Social Share

 ભાવનગરઃ શહેરમાં એસટીની વિભાગીય કચેરીના નવ નિર્મિત બિલ્ડિંગનું  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.  ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.62 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભાવનગરની વિભાગીય કચેરીના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે, લોકાર્પણ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત એસ.ટી. નિગમની 350 જેટલી બસોનું સંચાલન ભાવનગર જિલ્લામાંથી થઈ રહ્યું છે. સુરત, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ જિલ્લામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સલામત અને સમયબદ્ધ રીતે અને વ્યાજબી ભાવે બસની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત વાર- તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ જરૂરીયાત પ્રમાણે દોડાવવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, કોઈપણ પ્રસંગ માટે એસ.ટી.ની આખી બસનું જો એડવાન્સ બુકિંગ કરાવવામાં આવશે તો મુસાફરોના ઘર આંગણા સુધી એસ.ટી.વિભાગ સેવા પુરી પાડવા કટીબદ્ધ છે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને અભિનંદન આપતાં મંત્રીએ કહ્યું કે, એસ. ટી. ડ્રાયવર અને કંડક્ટર તેમના ઘરે પરિવાર સાથે દિવાળી જેવા તહેવારો મનાવી શકતાં નથી પરંતુ હજારો ભાઈ- બહેનો પોતાના ઘરે જઈને દિવાળી મનાવી શકે તે માટે તહેવારોમાં પણ સેવાઓ પુરી પાડી તમારા તહેવારોને ઉજાળે છે. રાજ્ય સરકાર આટલી સરસ સુવિધા પુરી પાડે છે ત્યારે એસ. ટી. બસમાં દરરોજ મુસાફરી કરતા મુસાફરોને સ્વચ્છતા જાળવવા મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

આ નવનિર્મિત વિભાગીય કચેરી 753 ચો.મી. બિલ્ટઅપ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળથી વિવિધ સગવડોથી સજ્જ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બાંધકામ શાખા, સીવીલ સ્ટોર રૂમ, નાયબ ઇજનેરની ઓફીસ, સીવીલ રેકોર્ડ રૂમ, મેઈન્ટેનન્સરૂમ, ઈલેક્ટ્રીક રૂમ, સ્ટાફકાર ડ્રાઇવર રેસ્ટ રૂમ, વેલ્ફેર રૂમ, સીક્યુરીટી વિભાગ, સીક્યુરીટી રેકોર્ડ રૂમ, સીક્યુરીટી ઓફીસરની કચેરીની સુવિધા પ્રથમ માળમાં હિસાબી શાખા, કેશ રૂમ, રેકોર્ડ રૂમ, એકાઉન્ટ ઓફીસર રૂમ, કોમ્યુટર રૂમ, આંકડા શાખા, આંકડા અધિકારીની કચેરી, વહીવટી શાખા, વહીવટી અધિકારીની કચેરી, વિભાગીય નિયામકની કચેરી, રેકોર્ડરૂમ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ અને શૌચાલયની સુવિધા છે. તેવી જ રીતે બીજા માળમાં પરિવહન શાખા, ડીટીએસ-1, ડીટીએસ-2, ડીટીઓ, ટ્રાફિક રેકોર્ડ રૂમ, કોમર્સ શાખા, કોમ્યુટર રૂમ, શૌચાલય, લેબર શાખા, લેબર ઓફીસર, કોન્ફરન્સ રૂમ, લેબર રેકોર્ડ રૂમ અને ત્રીજા માળમાં સ્ટોરેજ રૂમ સહિતની સુવિધા ઉપલધ્ધ કરવામાં આવી છે.

આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ભાવનગરના મેયર ભરત બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા કલેક્ટર આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, એસ.ટી.નિગમના સચિવ રવિ નિર્મલ, જનરલ મેનેજર કે.એસ.ડાભી, મુખ્ય યાંત્રિક ઈજનેર એન.બી.સિસોદિયા, રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કરોતરા, ભાવનગર વિભાગીય નિયામક આર.ડી.પિલવાઈકર, આગેવાન અભયભાઈ ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા તથા એસ.ટી.વિભાગના અધિકારીઓ- પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.