એસટી કર્મચારીઓને શનિવાર સુધીમાં ઓક્ટોબરનો પગાર ચુકવી દેવાશે, નિગમે લીધો નિર્ણય
અમદાવાદઃ દિવાલીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે તેના કર્મચારીઓને દિવાલી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ચૂકવી દેવાની સુચના આપી છે. જ્યારે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગે પણ તેના કર્મચારીઓનો પગાર 30 ઓક્ટોબર સુધીમાં કરી દેવાનો આદેશ કર્યો છે. જોકે કર્મચારીઓને ઓવર ટાઇમ, લાઇન-નાઇટ, એલાઉન્સ સહિતનું ચુકવણું કરવાનું રહેશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના મહાપર્વને ધ્યાનમાં રાખીને કર્મચારીઓનો પગાર વહેલો કરી દેવાનો આદેશ કર્યો છે. તેમાં કર્મચારીઓની હાજરી તારીખ 24મી, ઓક્ટોબર-2021 સુધીની ગણવાની રહેશે. તેના આધારે ઓવર ટાઇમ, લાઇન નાઇટ તેમજ એલાઉન્સીસનું ચુકવણું કરવાનું રહેશે. જ્યારે તારીખ 25મી, ઓક્ટોબરથી તારીખ 31મી, ઓક્ટોબર સુધીનો નહી ચુકવાયેલો ઓવર ટાઇમ, લાઇન નાઇટ, એલાઉન્સીસનું ચુકવણું નવેમ્બર-2021 માસના પગારમાં કરવાનું રહેશે. નિગમના આદેશ મુજબ ડેપોના કર્મચારીઓના પગારબીલ તૈયાર કરવાના રહેશે. વહિવટી સ્ટાફના પગારના ફંડની માંગણી અને ડેપો સ્ટાફના ફંડની માંગણી પણ આગામી તારીખ 29મી, ઓક્ટોબર-2021 સુધીમાં અલગથી કરવાની રહેશે.