રાજકોટઃ એસટી નિગમ દ્વારા રાજકોટ-મોરબી વચ્ચે પાંચ એસી, ઈલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. રાજકોટ અને મોરબી વચ્ચેનું ભાડું 90 રૂપિયા નિયત કરવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી વચ્ચે મુસાફરોનો ભારે ધસારો રહેતો હોવાથી પ્રાંભિક ધોરણે આ રૂટની પસંદગી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને ઈંધણની ઉભી થઈ રહેલી અછતના વિકલ્પે બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક વાહનો તરફનો ઝુકાવ વધી રહ્યો છે. જેમાં એસટી ડિવિઝન પણ અગ્રેસર છે. ગુજરાત એસટી નિગમ દ્વારા રાજકોટ ડિવિઝનને 20 ઈલેક્ટ્રિક એરકન્ડીશન્ડ બસ ફાળવી છે. જેમાંથી પાંચ બસ રાજકોટ-મોરબી રૂટ પર દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. અને તેને મુસાફરોનો સારોએવો રિસ્પોન્સ મળી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા રાજકોટ ડિવિઝનને 20 ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી હતી. અને તેનું લોકાર્પણ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શહેરમાં આ બસ માટે ઈલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન ન હોવાથી ઈલે. બસો આટલો સમય પડી રહી હતી. હવે ભાવનગર રોડ પર એસટીની જગ્યામાં તેનું ચાર્જીંગ સ્ટેશન કાર્યરત થઈ ચુક્યું છે. જ્યાં નિયમિત રીતે આ બસોને ચાર્જ કરવામાં આવશે. દરમિયાન રાજકોટ-મોરબી વચ્ચે સવારથી મોડી સાંજ સુધી આ ઈલેક્ટ્રિક એસી બસો દોડતી રહેશે. જેનું ભાડું 90 રૂપિયા રાખવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી વચ્ચે મુસાફરોનો ભારે ધસારો રહેતો હોવાથી પ્રાંભિક ધોરણે આ રૂટની પસંદગી કરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એસટી નિગમ દ્વારા દોડાવવામાં આવતી વોલ્વો બસ ભાડા-કોન્ટ્રાક્ટ પર છે. જેમાં કંડક્ટર એસટીના રહે છે અને ડ્રાઈવર વોલ્વો બસ ભાડે આપનારી જે-તે ખાનગી પાર્ટીના હોય છે. આ જ સિસ્ટમથી આ નવી ઈલેક્ટ્રિક એસટી બસ પણ કોન્ટ્રાક્ટ પર છે. જેમાં કંડક્ટર એસટી નિગમના અને ડ્રાઈવર ખાનગી રહેશે. જેની ટિકિટમાંથી થતી આવક એસટી નિગમે રાખવાની રહેશે અને તેમાંથી નિયત કરેલું ભાડું કોન્ટ્રાક્ટરને ચૂકવી આપવાનું રહેશે. ડીઝલની તુલનામાં ઈલેક્ટ્રિક વાહનથી પરિવહન સસ્તું અને પર્યાવરણને લાભદાયી બની રહે છે.