Site icon Revoi.in

અમદાવાદમાં જાહેર સ્થળોએ લગાવેલા હોર્ડિંગના સ્ટેબિલિટી સર્ટી. રજુ કરવા AMC કમિશનરની સુચના

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદ અને ભારે પવનને લીધે જાહેરાતોના લગાવેલા હોર્ડિંગથી કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે તમામ હોર્ડિંગ્સનો સર્વે કરીને મજબુતી અંગેનો રિપોર્ટ આપવા મ્યુનિ.કમિશનરે સંબંધિત વિભાગને સુચના આપતા એએમસીના ટીડીઓ દ્વારા ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં જોખમી અને બિન સલામત હોર્ડિંગ્સને દુર કરવામાં આવશે. અને હાર્ડિંગના મજબુતી અંગેનો રિપોર્ટ મ્યુનિ.કમિશનરને બે-ત્રણ દિવસમાં સોંપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પવનને લીધે હોર્ડિંગ પડી ન જાય અને તેના કારણે લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે શહેરમાં વિવિધ સ્થળે લગાવવામાં આવેલા જાહેર ખબરના તમામ હોર્ડિંગ્સનો બે દિવસમાં સર્વે પૂરો કરવાની મ્યુનિ.કમિશનરે સૂચના આપી છે. હોર્ડિંગ્સ મામલે જાહેર હિતની અરજી (PIL) માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલા ઓરલ ઓર્ડરને ધ્યાનમાં લઈને મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને આ સૂચના આપી છે. સર્વે દરમિયાન બિન-પરવાનગી, અસુરક્ષિત, જોખમી, અને બિન-સલામત હોર્ડિંગ હોય તો 7 દિવસમાં દૂર કરાશે.. ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટમાં વિગતો રજૂ કરવાની હોવાથી 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું છે..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડરના અને ખાનગી હોર્ડિંગ્સ અંગે સર્વે કરવા માટે આસિસ્ટન્ટ TDO દ્વારા ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ટીમોની રચના કરવામાં આવી છે. અને બે દિવસમાં સર્વે પૂર્ણ કરી જો ગેરકાયદે હોર્ડિંગ્સ હોય તો તાકીદે દૂર કરાશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગે રીપોર્ટ સુપરત કરવા અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફીકેટ જમા નહીં કરનારના હોર્ડિંગ્સ 26 જુલાઈ સુધીમાં દૂર કરવા કામગીરી કરવા તાકીદ કરી છે. રેલવેની જગ્યામાં ઉભા કરાયેલા અને મ્યુનિ.ના રસ્તા પર દેખાતા હોર્ડિંગ્સના કિસ્સામાં ત્રણ દિવસમાં સ્ટેબિલિટી સર્ટિફીકેટ રજૂ કરવા સૂચના અપાઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનરે આપેલી સૂચનાનું પાલન કરવામાં ચૂક કરનાર કર્મચારી અધિકારીની અંગત જવાબદારી રહેશે. એસ. ટી. બસ સ્ટોપ, યુનિવર્સિટી, હાઉસિંગ બોર્ડ કે અન્ય સરકારી જગ્યામાં ઉભા કરાયેલા હોર્ડિંગ્સ અંગે ત્રણ દિવસમાં સ્ટેબિલિટી સિટીફીકેટ મેળવવા નોટિસ આપીને તેનું પાલન ન થાય તો કાર્યવાહી કરવા જણાવ્યું છે. તમામ કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવા માટેની સૂચના અપાઇ છે.