Site icon Revoi.in

વડોદરામાં ડેવલપમેન્ટ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી 4.90 ટકા કરાતા મિલ્કતોના દસ્તાવેજો સ્થગિત

Social Share

વડોદરાઃ શહેરમાં મિલકતોના ખરીદ-વેચાણમાં ડેવલપમેન્ટ કરાર પર વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરાયો છે. વર્ષ 2014 થી 7 માર્ચ 2024 સુધી ડેવલપમેન્ટ કરાર ઉપર વસુલ કરાતી 3.50 ટકા સ્ટેમ્પ ડ્યુટી પર સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષક કચેરી દ્વારા પરીપત્ર બહાર પાડીને ડેવલપમેન્ટ કરાર ઉપર 4.90 ટકા લેખે સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરવાનો આદેશ કરાયા બાદ શહેરીજનોના રૂા.4 હજાર કરોડની મિલકતોના દસ્તાવેજો સ્થગિત થઈ ગયા છે.

વડોદરા શહેરમાં ડેવલપમેન્ટ કરાર પર વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરાતા નવા ફ્લેટ્સ કે મિલકતો લેનારા મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રાહકો દ્વારા બેંકમાં દર મહિને ઈ.એમ.આઈ પણ ભરાય છે. ફ્લેટના વેચાણ દસ્તાવેજ ન થવાથી તેઓને પઝેશન આપવામાં વિલંબ થઈ રહ્યો છે. બિલ્ડીંગનું ઓક્યુપેશન સર્ટીફિકેટ પણ અટકી ગયું છે. કન્સલટન્ટના કહેવા મુજબ વડોદરામાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી જમીન માલિકો તેઓની માલીકી અને કબજા ભોગવટાવાળી જમીનોને ડેવલોપ કરવા પ્રમોટરો-બિલ્ડરો પેઢીની તરફેણમાં રજીસ્ટર ડેવલપમેન્ટ કરાર સબ રજીસ્ટ્રાર, વડોદરા સમક્ષ નોંધણી કરી જમીન ડેવલોપ કરાય છે. આમ વર્ષ 2011 સુધી રજીસ્ટર ડેવલપમેન્ટ કરાર ઉપર સરકાર દ્વારા માત્ર રૂા.100 સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરાતી હતી. અને ત્યારબાદ વર્ષ 2011 થી 2014 સુધી માત્ર 1 ટકા સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરાતી હતી. વર્ષ 2014 થી 7 માર્ચ 2024 સુધી ડેવલપમેન્ટ કરાર ઉપર 3.50 ટકા સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરવામાં આવતી હતી. અને તે મુજબ જમીન માલીકો અને બિલ્ડરો દ્વારા પુરે-પુરી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટર ફી ભરાતી હતી. આમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પરીપત્ર મુજબ જમીન માલિકો અને બિલ્ડરો દ્વારા નિયમીત રીતે પુરે – પુરી સ્ટેમ્પ ડ્યુટી તેમજ રજીસ્ટર ફી ચુકવાઈ છે અને તે મુજબ જ શહેરમાં જમીનોનું ડેવલપમેન્ટ કરાતું હતું.

શહેરમાં દસ્તાવેજનું કામ કરતા અન્ય એક વકીલના કહેવા મુજબ  કાયદાનું ધોરણ એવું છે કે, જે દસ્તાવેજમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટી હોય તેવા દસ્તાવેજોને જ જપ્ત કરી શકાય અથવા તો તેની નોંધણી અટકાવી શકાય. પરંતુ મકાન બુક કરનાર સામાન્ય શહેરીજનોના દસ્તાવેજ કે જે બજાર કિંમત પ્રમાણેની પુરેપુરી સ્ટેમ્પ ડ્યુટી ચુકવીને દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવા જાય છે, તેવા દસ્તાવેજોના ડેવલપરની સ્ટેમ્પ ડ્યુટી બાકી છે. તેના કારણોસર શહેરીજનોના દસ્તાવેજો કે જેની કિંમત રૂા.4 હજાર કરોડથી વધુ છે, તેવા દસ્તાવેજો અટકાવી દિધા છે. જ્યારે નગરજનોના આ પ્રકારના દસ્તાવેજો નોંધવાનું સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા બંધ કરાયું છે. જેથી 6 મહિનામાં 4 હજાર કરોડથી વધુના રજીસ્ટાર બાનાખત કરાર તેમજ રજી.વેચાણ દસ્તાવેજો નોંધવાનું અટકાવી દીધા છે. જેથી વેચાણ રાખનારાઓને અને ગ્રાહકોને નુકશાન થઈ રહ્યું છે.  વર્ષ 2004માં નોંધવામાં આવેલા રજીસ્ટર ડેવલપમેન્ટ કરાર અને તે કરારના આધારે કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજની કુલ કિંમત રૂા.86 હજાર હોય તેમાં સબ રજીસ્ટરાર કચેરી અકોટા દ્વારા રૂા.3.53 લાખ વસુલ કરવાની ખોટી અને ગેરકાયદે નોટીસ આપવામાં આવી છે.