Site icon Revoi.in

ગુજરાતમાં સ્ટેમ્પડ્યુટીની આવક 57 ટકા વધારા સાથે ત્રિમાસિક રૂ. 4876 કરોડે પહોંચી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં  જંત્રીના દરમાં ડબલ વધારો આગામી તા. 15મી એપ્રિલથી લાગુ થઈ જશે. ત્યારે બિલ્ડરોથી લઈને લે-વેચના સોદા થયા હોય એવા અરજદારો દસ્તાવેજો કરવામાં માટે આવી રહ્યા છે. રાજ્યની તમામા રજિસ્ટ્રારની કચેરીઓમાં ભારે ધસારાને લઈને ટોકન આપવામાં આવી રહ્યા છે ઘણીબધી રજિસ્ટ્રારની કચેરીઓમાં તો 15મી એપ્રિલ સુધીના સ્લોટ પુરા થઈ ગયા છે. આમ રાજયમાં મિલકતનાં રજીસ્ટ્રેશન-દસ્તાવેજ માટે જબરો ઘસારો છે.જેને પગલે રાજય સરકારની આવકમાં 57 ટકાનો  વધારો છે. એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિનામાં સરકારને રૂપિયા 4876 કરોડની આવક થઈ છે. નવા જંત્રીદર લાગુ થવાને આડે માંડ દસ દિવસ બાકી રહ્યા છે. ત્યારે હજુ પણ આવકમાં વધારો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 15મી એપ્રિલથી જંત્રીના નવા દર લાગુ પડી જશે. એટલે હાલ જે જંત્રીના દર છે, એમાં ડબલ વધારો થશે. આથી બિલ્ડરોથી લઈને મકાનો-જમીનોની લે-વેચ કરનારા અને સામાન્ય પ્રોપર્ટીધારકો ઉંચા દરથી બચવા વર્તમાન દરે જ રજીસ્ટે્રશન કરાવવા ઉતાવળા બન્યા છે. દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં લગભગ તમામ સ્લોટ ફુલ છે આ સ્થિતિમાં સરકારની સ્ટેમ્પ ડયુટી-રજીસ્ટ્રેશન ફીની આવકમાં મોટો વધારો થયો છે. જાન્યુઆરીથી માર્ચનાં ત્રિમાસીક ગાળાની આ આવક 4876 કરોડે પહોંચી છે.  જે વર્ષ 2022 ના આ ગાળાની આવકની સરખામણીએ 57 ટકા વધુ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરીથી માર્ચ 2022 માં 4,36,665 મિલ્કતોની નોંધણી થઈ હતી. તે આ વખતે 18 ટકા વધીને 5,15,116 થઈ છે. આમાંથી 60 તી 70 ટકા હિસ્સો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા ચાર મહાનગરોનો જ છે.ગુજરાતમાં 2011 પછી જંત્રીદરમાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો છે. ગત 5મી ફેબ્રુઆરીએ સરકારે જંત્રીદર ડબલ કરવાનું જાહેર કરી દીધુ હતું અને તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો.
પરંતુ આ ઓચિંતા નિર્ણય સામે જબરો વિરોધ થતા 15 મી એપ્રિલ સુધી અમલ મોકુફ રાખી દેવામાં આવ્યો હતો. રાજય સરકારનાં સતાવાર આંકડા પ્રમાણે 2022-23 ના નાણાં વર્ષમાં મિલકત નોંધણીની સ્ટેમ્પ ડયુટી રજીસ્ટ્રેશન ફી પેટે 14318 કરોડની આવક થઈ હતી તે 2021-22 ની 10616 કરોડની આવક કરતાં 34.87 ટકા વધુ હતી. 17 ટકા વધુ દસ્તાવેજ થયા હતા. 2021-22 માં 1432569 મિલકત દસ્તાવેજ થયા હતા.તે 2022-23 માં 1675648 હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2023-24 માં નાણાં વર્ષમાં 1675648 દસ્તાવેજોની નોંધણી થઈ છે અને વાર્ષિક ધોરણે આવક 35 ટકા વધીને 14318 કરોડ પહોંચી છે.છેલ્લા ત્રિમાસીક (જાન્યુઆરીથી માર્ચ) ગાળા પર નજર કરવામાં આવે તો 2022 ના આ ત્રિમાસીક સમયગાળામાં સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફી પેટે સરકારને 3102 કરોડની આવક થઈ હતી અને આ દરમ્યાન 436665 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી તેની સરખામણીએ ચાલુ સાલ 4876 કરોડની આવક થઈ છે અને 515116 દસ્તાવેજો નોંધાયા છે.