અમદાવાદઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રે પડી છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ ખોરવાઈ ગયું હતું. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા યુનિએ વિવિધ પરીક્ષાના ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ કર્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. માત્ર ઓનલાઈન વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓએ અલગ ફોર્મ ભરવાનું રહેશે. ગત વર્ષે ઓફલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણીબધી હતી. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન કરતા ઓફલાઈનના વિકલ્પને વધુ પસંદ કરે તેવી શક્યતા છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાને કારણે પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યા છે. ઓનલાઈન વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓએ અલગ ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન પરીક્ષા 50 માર્ક્સની જ રહેશે, જેમાં 50 માર્ક્સના MCQ હશે. દરેક MCQ માટે 1 મિનિટ આપવામાં આવશે. એટલે કે કુલ 50 માર્કસની પરીક્ષા રહેશે. વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન, ટેબ્લેટ અથવા લેપટોપ પર પરીક્ષા આપી શકશે. બીએ, બીકોમ, બીસીએ, બીબીએ, બીએસસી, ઇન્ટિગ્રેટેડ લો, બીએડ, એમએડ, એલએલબી, એમએ અને એમકોમમાં ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા માટે 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-1ના વિવિધ પરીક્ષાઓના ફોર્મ અને ફી ભરવાની તારીખ જાહેર કરી છે. 2 ફેબ્રુઆરીથી પરીક્ષાના ફોર્મ અને ફી ભરી શકાશે. કોલેજ દ્વારા 14 ફેબ્રુઆરી સુધી લેટ ફી વિના ફોર્મ અપલોડ કરવાના રહેશે અને લેટ ફી સાથે 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ અપલોડ કરવાના રહેશે.