સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવકનો પ્રારંભઃ 1000 આસપાસના ભાવે થતું વેચાણ
રાજકોટ : સૌરાષ્ટ્રમાં કેટલાક ખેડુતોએ તાઉ-તે વાવાઝોડાને પગલે પડેલા વરસાદ બાદ વાવણી કરી દીધી હતી તેવા ખેડુતોનો મગફળીનો પાક તૈયાર થઈ જતાં માર્કેટ યાર્ડ્સમાં નવી મગફળીની આવકનો આરંભ થઇ ગયો છે. ગોંડલ, ભાવનગર અને રાજકોટના માર્કેટ યાર્ડમાં શનિવારે કુલ 800-900 ગુણીની આવક હતી. મગફળીનું વાવેતર ઓછું છે અને વરસાદ પણ અપૂરતો પડયો છે છતાં મગફળીનો પાક તૈયાર થઈને ધીરે ધીરે બજારમાં આવવાનું શરૂ થયું છે. જોકે આગોતર વાવેતરની મગફળી જ આવી રહી છે. નવી મગફળી ઓળા સ્વરૂપે શાકભાજી બજારમાં તો છેલ્લાં દસેક દિવસથી મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ યાર્ડમાં શનિવારે સૌથી વધુ 700 ગુણી આવક થતા રૂ.850-1441માં વેંચાઇ હતી. ભાવનગરમાં 50 ગુણી રૂ. 867-1221 અને રાજકોટમાં 50 ગુણીનું રૂ. 1050ના ભાવથી વેચાણ થયું હતું. ગુજરાતમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. વેપારીઓ કહેવા મુજબ 20-25 ટકા જેટલું વાવેતર આગોતરૂં છે. ઓગસ્ટ અંત સુધી વરસાદ ન થતા મગફળી પાકવા લાગી હતી એટલે તેની આવક શરૂ થઇ છે જોકે સમયસર વાવેતર હતા તેની આવક હવે વરસાદ પડતા મોડી પડશે છતાં સપ્ટેમ્બરના અંતથી નિયમિત આવક થવા લાગશે અત્યારે પાક ઉતારામાં કોઇ સમસ્યા નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 30-35 લાખ ટન જેટલું થયું હતુ. આ વર્ષે વરસાદ પર પાકનો આધાર છે.
શાકભાજી બજારમાં મગફળીના ઓળા વેચાવા આવી રહ્યા છે. એક કિલોએ રૂ. 80થી 100 રૂપિયા સુધી વેંચાય છે. જોકે મગફળી પાણી અને માટીવાળી આવી રહી છે એટલે ઓછી વેચાય છે.