સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખારાઘોડા વિસ્તારમાં અફાટ રણ આવેલું છે. રણમાં અગરિયાઓ પરિવાર સાથે જ વસવાટ કરે છે. મીઠાંની સીઝન પુરૂ થતાં અગરિયાઓ પોતાના વતન પરત ફરતા હોય છે. અગરિયાઓના બાળકોને શિક્ષણનો મુખ્ય પ્રશ્ન હોય છે. ત્યારે સરકારે અગરિયાઓના બાળકો માટે સ્કુલ ઓન વ્હીકલનો પ્રારંભ કર્યો છે. એટલે કે શિક્ષકો સાથેની સ્કૂલ બસ અગરિયાઓ સુધી પહોંચે છે. અને તેમના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલ ત્રણ રણ સ્કૂલબસ શરૂ કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં 17 સ્કુલ રણ બસ રણમાં પહોંચાડવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. દર વર્ષે રણમાં રણ બસશાળા શરૂ કરીને ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં 400થી વધારે અગરિયા ભુલકાઓ ધોરણ 1થી 9નું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં રણ વિસ્તારમાં સર્વે કરાયા બાદ સતનારાયણ સહકારી, ભનુ સહકારી અને નારણપુરા સહકારી એમ ત્રણ જગ્યાએ રણ બસશાળા મુકવામાં આવી છે.
દેશમાં પ્રાથમિક શિક્ષણનો દરેકને બંધારણીય હક મળેલો છે. પરંતુ રણ જેવા દૂર્ગમ વિસ્તારોમાં કે જ્યાં અગરિયા પરિવારોનો સીઝન પ્રમાણે જ વસવાટ રહેતો હોવાથી તેમના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા સ્કૂલ ઓન વ્હીકલની વ્યવસ્થા કરવામાં આવી છે. રણ વિસ્તારમાં સ્કૂલો બનાવવી શક્ય નથી એટલે શાળાના વર્ગખંડ જેવી સ્કુલબસ તૈયાર કરીને શિક્ષકો સાથે રણમાં મોકલવામાં આવે છે. જ્યા નક્કી કરેલા સ્થળે સ્કૂલબસ ઊભ રાખવામાં આવે છે. આજુબાજુમાં વસવાટ કરતાં અગરિયાના બાળકો શિક્ષણ મેળવવા માટે આવતા હોય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખારાઘોડાના રણમાં જે વિસ્તારમાં વધારે અગરીયા બાળકો થતાં હોય તો એનો સર્વે કરીને સર્વે લિસ્ટ પાટડી સીઆરસી કચેરીએ મોકલી આપવાની સૂચના કરવામાં આવી છે. આગામી દિવસોમાં રણમાં કુલ 17 પોઇન્ટ નક્કી કરી ઝીંઝુવાડા સીઆરસીમાં 6 રણ બસશાળા અને ખારાઘોડા સીઆરસીમાં 11 બસશાળા મળી કુલ 17 રણ બસશાળા શરૂ કરવામાં આવશે. હાલમાં તો ત્રણ બસ શાળા ગાડી કે ટ્રેક્ટર સાથે ટોર્ચન કરીને રણમાં પહોંચાડી દેવામાં આવી છે. અને આગામી દિવસોમાં રણમાં 17 રણ બસશાળામાં 400 અગરિયા બાળકો શિક્ષણનું ભાથું મેળવશે જે માટે 17 સરકારી શિક્ષકોને રણમાં જવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે.