રાજકોટ: ભોલેનાથની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ માસ..આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.આ વખતે બે શ્રાવણ માસ હતા,જોકે,આજથી ભક્તો શિવજીને અલગ- અલગ રીતે રીઝવી રહ્યા છે.ભક્તો જળાભિષેક, દુધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી ભોલેનાથની આરાધના કરી રહ્યા છે. રાજકોટના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે.
આજે ગુરુવારથી ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ત્યારે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 12 જ્યોતિર્લિંગમાના સોમનાથ ખાતે ભકતો ભોલેનાથના દર્શન કરવા આવી રહ્યા છે.હર હર ભોલેના નાદ સાથે સોમનાથમાં 30 દિવસીય શિવોત્સવ ચાલશે.
આખો દિવસ મંદિરમાં ભક્તોનો જમાવડો રહેશે અને ભગવાન ભોળાનાથની વિશાળ પ્રતિમાનાં દર્શન કરી અને મંદિરના ગ્રભગૃહમાં ભગવાન શિવને દુધાભિષેક, જળાભિષેક સહિત અનેક પૂજન અર્ચન કરી અને વિશ્વશાંતી મળે તેવી પ્રાર્થના સાથે ભગવાન સર્વેના મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવશે.
રાજકોટ જિલ્લાના પૌરાણિક મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.રાજકોટના આજી નદીના કાંઠે સ્થિત રામનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી મહાદેવના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે.ભક્તો મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રાવણ માસમાં શિવભક્તો શિવભક્તિમાં તન્લિન થઇ જશે. ભગવાન શંકરના આશિર્વાદ અને દયાભાવ મેળવવા માટે આ માસમાં તમામ શિવભક્તો યથાશક્તિ પૂજન, અર્ચના અને દર્શન કરીને આખો માસ ભક્તિરસમાં પસાર કરે છે. મોટાભાગના ભક્તો આખો મહિનો એકટાણું કરે છે તો કેટલાક ભક્તો શ્રાવણ માસના સોમવારના ઉપવાસ કરીને શિવભક્તિ કરતા હોય છે.