વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં સ્ટાર્ટ અપ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છેઃ પિયુષ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં સ્ટાર્ટઅપ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આજે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ એવોર્ડ્સ અને સ્ટેટ રેન્કિંગ એવોર્ડ સમારંભને સંબોધન કરતાં મંત્રીએ છેલ્લાં આઠ વર્ષમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, એક સમયે નવીનતા હતી, જે હવે રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહનું અભિન્ન અંગ બની ગયું છે.
કેન્દ્રીય મંત્રીએ વિવિધ ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં મેડટેક, ફિનટેક, એગ્રોટેકથી માંડીને ઉડ્ડયન ક્ષેત્ર, ડ્રોન અને સિમ્યુલેટર સામેલ છે. તેમણે પ્રવાસનને વણખેડાયેલી સંભવિતતા ધરાવતાં ક્ષેત્ર તરીકે ઓળખાવ્યું હતું, જે સ્ટાર્ટ અપ્સને સ્થાયી પ્રવાસનની આસપાસ નવીન વિચારો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચવ્યા મુજબ વેડ-ઇન-ઇન્ડિયા પહેલની સંભવિત સ્ટાર્ટઅપ્સ દ્વારા પણ નોંધ લેવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાતમાં કહ્યું હતું કે, ભારતની પ્રાથમિકતા ન્યૂ એજ સ્કિલ્સ, ફ્યુચરિસ્ટિક ટેક, એઆઇ અને ઇનોવેશન છે.
પિયુષ ગોયલે યુવાન અને વૃદ્ધ બંનેની ઉદ્યોગસાહસિકતાની ભાવનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં તેમના વિશિષ્ટ દ્રષ્ટિકોણ અને વિચારો પ્રદાન કરવા વિનંતી કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, નવા વિચારો સાથે જોડાવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે વય અવરોધરૂપ ન હોવી જોઈએ. તેમણે ઉંમરને ધ્યાનમાં લીધા વિના, વ્યક્તિઓને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ ભારતના વિકાસમાં પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
મંત્રીએ નોંધ્યું હતું કે, ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે વિકસ્યું છે, જેણે અસંખ્ય ઉદ્યોગસાહસિકોનાં સ્વપ્નો સાકાર કર્યા છે અને વેપાર-વાણિજ્ય કરવાની નવીન રીતો પ્રસ્તુત કરી છે. બાજરી અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં હાંસલ થયેલી સફળતાઓ માટે પ્રશંસા વ્યક્ત કરતાં તેમણે સ્ટાર્ટઅપ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જેવા નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. તેમણે તેમને એવા વિચારો સાથે આવવા માટે પ્રોત્સાહિત કર્યા કે જે જીવનને વધુ સરળ બનાવે છે અને કામ કરવાની હાલની રીતોમાં ક્રાંતિ લાવે છે.
પોતાનાં સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટ અપને વધુ સહાય કરવા માટે હાથ ધરવામાં આવનારી મુખ્ય પહેલોની રૂપરેખા પ્રસ્તુત કરી હતી, જેમાં વધારે કેન્દ્રિત આદાનપ્રદાન માટે વિવિધ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સનું વર્ગીકરણ, તેમનાં સ્થાનો ઓળખવા માટે ડેટાને સેનિટાઇઝ કરવા અને સ્ટાર્ટઅપ્સનાં વિકાસનાં તબક્કાને ટ્રેક કરવા તથા તમામ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનાં વિભાગ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) પોર્ટલ પર નોંધાય એ સુનિશ્ચિત કરવાનાં પ્રયાસો સામેલ છે.
મંત્રીએ એમએઆરજી પોર્ટલ – મેન્ટરશીપ, એડવાઇઝરી, આસિસ્ટન્સ, રેઝિલિયન્સ અને ગ્રોથ ઓફ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી વધુ સહયોગ અને માર્ગદર્શન માટે અપીલ કરી હતી. તેમણે ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ) સાથે આઉટરીચ અને ઓન-બોર્ડિંગ સ્ટાર્ટઅપ્સનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે સ્ટાર્ટઅપ્સનાં ઓનબોર્ડિંગ માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ગોયલે સ્ટાર્ટઅપ્સને પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સુરક્ષા માટે નોંધણી કરાવવા પ્રોત્સાહન આપ્યું હતું, કારણ કે સ્ટાર્ટઅપ્સ માટે ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે, ‘સ્ટાર્ટઅપ મહા કુંભ’નું આયોજન માર્ચ, 2024માં થવાનું છે. તેમણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે સરકારના સતત સમર્થનની ખાતરી આપી હતી, જેમાં ઉદ્યોગસાહસિકોને વિશાળ ગ્રાહક બજારનો લાભ લેવા અને ઉભરતીમાંથી વિકસિત સ્ટાર્ટઅપ સિસ્ટમમાં સંક્રમણ માટે સાથે મળીને કામ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.