Site icon Revoi.in

રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરામાં 4 નવા ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી,

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરોમાં વસતી વધારા સાથે વિસ્તાર પણ વધતો જાય છે. તેથી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવે છે. રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુરી આપી છે, તેમાં ટી.પી સ્કીમ 139/એ છારોડી-નારણપુરા-ખોડા અને 139/બી છારોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. જે મુજબ આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી. નંબર 3 સેવાસી અને 55/એ ગોરવા કરોડિયાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની  2 પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ 4 ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 12.43 હેક્ટર્સ જેટલી જમીન પ્રાપ્ત થશે. ઔડાની ડ્રાફ્ટ ટી.પી. 139 એમાં 3600 અને 139 બીમાં 5400 મળી કુલ 9 હજાર EWS આવાસો નિર્માણ થઈ શકશે.

વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ 3 સેવાસીમાં 900 અને પ્રિલીમીનરી ટી.પી. 55 એ ગોરવા કોરડિયામાં 1200 આવાસો બની શકશે. બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે આ ચાર ટી.પી.સ્કીમમાં કુલ 9.81 હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે 11.55 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે આ 4 સ્કીમમાં કુલ આશરે 28.29 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહીં, આગામી સમયમાં આ ચારેય સ્કીમમાં કુલ 11,100 EWS આવાસો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપલબ્ધ થશે.