1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આઈસ્ક્રીમ, પીઝા સહિતના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા, વેપારીઓમાં ફફડાટ
ગુજરાતમાં આઈસ્ક્રીમ, પીઝા સહિતના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા,  વેપારીઓમાં ફફડાટ

ગુજરાતમાં આઈસ્ક્રીમ, પીઝા સહિતના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા, વેપારીઓમાં ફફડાટ

0
Social Share

અમદાવાદ:  હાલ ઉનાળાની ગરમીને લીધે આઈસ્ક્રીમની સીઝન પૂરબહારમાં છે. ત્યારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ આઈસ્ક્રીમ પાર્લરો, પીઝા શોપ, ઠંડાપીણા સહિતના વેપારીઓ ત્યા દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી GST વિભાગના ધ્યાને આવી છે. અધિકારીઓએ તપાસ કરતા આ વેપારીઓને ત્યાંથી 40 કરોડના છૂપા વેચાણનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં કરચોરી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના, 47 ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 40 કરોડથી વધુ રકમના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂ. 6.75 કરોડ, પિઝાના રૂ. 4 કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુશના રૂ. 30 કરોડના છૂપાયેલા વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. 40 કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હોવાનું કહેવાય છે.

સ્ટેટ જીએસટીના અધિકારીઓની તપાસ દરમિયાન અલગ-અલગ પેઢીમાં જુદા-જુદા પ્રકારની મોડસ ઓપરેન્ડી ધ્યાને આવી છે. કેટલાક વેપારીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચામાલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવે છે. રોકડથી થતા વેચાણોમાં મહદઅંશે બિલો આપવાનું ટાળવામાં આવે છે. જ્યાં ગ્રાહકો QR Code સ્કેનરથી પેમેન્ટ કરે છે તેવા કિસ્સામાં વેચાણો છૂપાવવાના આશયથી પેઢીના કર્મચારી કે કોઈ સંબંધી કે કોઈ ત્રાહિત વ્યકિતના QR Code થકી તેમના બેન્ક અકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. જ્યાં POS Machine કે ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા “પેટપૂજા” જેવા સોફ્ટવેરમાંથી બિલો જાતે ડીલીટ કરી કે પછી સોફ્ટવેર  કંપની મારફત ડીલીટ કરાવી દેવામાં આવે છે. આમ કરચોરો દ્વારા ગ્રાહક પાસેથી કાયદેસર વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવતી નથી.  તપાસમાં મોટા પ્રમાણમા બિનહિસાબી વ્યવહારોને લગતાં દસ્તાવેજો, પુરાવાઓ મળી આવ્યા છે. હાલમાં વધુ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. અને કરચોરીનો આંકડો વધે તેવી સંભાવના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code