Site icon Revoi.in

ભાવનગર-વલ્લભીપુરનો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર, વાહનચાલકો ત્રાહીમામ પોકારી જાય છે

Social Share

ભાવનગરઃ વલ્લભીપુર-ભાવનગર વચ્ચેનો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર બની ગયો છે. હાઈને પર ઠેર ઠેર ખાંડા પડી ગયા છે. અને ઉબડ-ખાબડ રોડને કારણે વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ સ્ટેટ હાઈવેની મહિનાઓથી બિસ્માર હાલત છે. આ અંગે આ વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ તંત્રને રજુઆતો કરવામાં આવી હોવા છતાંપણ સ્ટેટ હાઈવેના નવિનીકરણનું કામ ક્યારે ચાલુ થશે, તે કોઈ કહી શકતું નથી. કહેવાય છે. કે, આ સ્ટેટ હાઈવેના નવિનીકરણ માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયાને ઘણો સમય થયો છતાંયે કોઈ કારણસર કામ શરૂ કરવામાં આવતું નથી.

ભાવનગરથી અમદાવાદ આવવા-જવા માટે એક સમયે આ સ્ટેટ હાઈવે ટ્રાફિકથી ધમધમતો હતો. પરંતુ ભાવનગરથી અમદાવાદનો વાયા ધોલેરા થઈને નેશનલ હાઈવે બની જતાં હવે મોટાભાગના વાહનો અમદાવાદ જવા માટે વાયા ધોલેરા-પીપળીના હાઈવે પરથી જઈ રહ્યા છે, એટલે તંત્ર દ્વારા ભાવનગર વલ્લભીપુરના સ્ટેટ હાઈવે પર પુરતુ ધ્યાન અપાતું નથી. બોટાદ તેમજ ધંધુકા અને સુરેન્દ્રનગરના વાહનો ભાવનગર જવા માટે આ સ્ટેટ હાઈવે પરથી પસાર થતાં હોય છે. વલભીપુર શહેરના અમરવીલાથી શરૂ થઇને વરતેજ રંગોલી રેલ્વે ફાટક સુધીનો હાઇવે એટલી હદે તુટી ગયો છે કે તેનું વર્ણન કરવું અશકય છે વાહન ચાલકો અને મુસાફરો આ રસ્તેથી પસાર થતા ત્રાહિમામ પોકારી જાય છે.ચોગઠના ઢાળથી વલભીપુર સુધી વાહન ચલાવવું એટલે તોબા છે. આ રસ્તાનું કામ શરૂ કરવા માટે ધારાસભ્યએ માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને બે થી ત્રણવાર રજુઆત કરી હતી.પણ તંત્રના અધિકારી કોઈ લક્ષ્ય આપતા નથી.

જિલ્લાના માર્ગ-મકાન વિભાગ, કાર્યપાલક ઈજનેરી કચેરીના સૂત્રોના કહેવા મુજબ સ્ટેટ હાઈવેના નવિનીકરણ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. અને એજન્સીને તાત્કાલીક રીતે કામ શરૂ થાય તેવી તાકીદ પણ કરવામાં આવી છે તેમ છતાં કામ કેમ શરૂ થયું નથી.