અમદાવાદઃ શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે 15મી ઓગસ્ટની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન વલસાડમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજને ફરકાવીને તિરંગાને સલામી આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના લડવૈયાઓના યોગદાનને યાદ કરીને ગુજરાત તમામ ક્ષેત્રમાં આગળ રહે તેવો સંકલ્પ કરીને તેને પૂર્ણ કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રધ્વજને સલામી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાના ઈતિહાસને અને જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના અઢી લાખ ગામોની માટીને દિલ્હી મુકાશે. ગુજરાતમાં પણ “મારી માટી મારો દેશ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગુજરાત સરકારે ઐતિહાસિક બજેટ આપ્યું છે. બજેટમાં સામાન્ય માણસનો ખ્યાલ રાખ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના 2 શરુ કરી છે. રાજ્યના લોકોએ જ રાજ્યની તાકાત છે રાજ્યના લોકો જ સાચી સંપત્તિ છે. રાજ્યમાં 11.50 લાખ આવાસોનું નિર્માણ કરાયું છે. 1262 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે. આગામી સમયમાં 250 એસી વાહનો લોકોની સેવામાં મૂકવામાં આવશે. ગુજરાત ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતી રાજ્ય બન્યું છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેને પોતાની સેમી કંડકટર પોલિસી જાહેર કરી છે. ગાંધીનગર ગિફ્ટ સિટી દેશના ફિન ટેક સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે જેમાં 5 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે.”
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાંના 33 જિલ્લામાં 2600થી વધુ અમૃતસરોવર બની ગયા છે. આદિવાસી યુવાનોને ઘર આંગણે મેડિકલ શિક્ષણ આપવા આદિવાસી જિલ્લાઓમાં સુવિધા શરૂ કરી છે. સરકારે આ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસી અમલમાં મૂકી છે. આ વખતે વાવાઝોડા દરમિયાન રાજ્ય સરકારે એક લાખથી વધુ લોકોને યોગ્ય સમયે મદદ પૂરી પાડી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો કે, આપણે સૌ 2047માં ભારતને આત્મ નિર્ભર બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરીએ, મારુ ગુજરાત સમૃદ્ધ ગુજરાત મારુ ગુજરાત સુરક્ષિત ગુજરાત, મારુ ગુજરાત સ્વસ્થ ગુજરાત, મારુ ગુજરાત સાક્ષર ગુજરાત, મારુ ગુજરાત સ્વચ્છ ગુજરાત, મારુ ગુજરાત સમર્પિત ગુજરાત, મારુ ગુજરાત સર્વશ્રેષ્ઠ ગુજરાત અને મારુ ગુજરાત અગ્રેસર હતું અગ્રેસર છે અને અગ્રેસર રહેશે.
વલસાડમાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વતંત્રપર્વની ઉજવણીમાં ઉચ્ચ અધિકારી, રાજકીય આગેવાનો, સમાજીક આગેવાનો, ખેડૂતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તિરંગાને સલામી આપીને ગુજરાત તમામ ક્ષેત્રેમાં અગ્રેસર રહે તેવી કામગીરી કરવાનો સંકલ્પ કર્યો હતો.