રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઈન સ્ટ્રોક આવતા U N મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદઃ રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. 70 વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભીખુસિંહને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે ભીખુસિંહને સમયસર સારવાર મળી જતાં તેમની તબિયત સારી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજ્યકક્ષાના પુરવઠામંત્રી ભીખુસિંહ પરમાર ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડપ્રેશર વધી જતાં તેમને 9.30 વાગ્યે તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
યુએન મહેતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ભીખુસિંહ પરમારના MRI, બ્રેઇન ECG, 2D ઇકો, બ્લડ ટેસ્ટ વગેરે જેવા તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તબીબોને જાણકારી મળી હતી કે, મંત્રી ભીખુસિંહ પરમારને માઇનોર બ્રેઇન સ્ટ્રોકની અસર થઈ હતી. હોસ્પિટલમાં તેમને સારવાર રૂપે બોટલ ચઢાવીને તેમના વાઇટલ્સ(શ્વાસ, હ્રદયની ગતિ અને બ્લડ પ્રેશર) સ્ટેબલ કરવામાં આવ્યા હતા.
ભીખુસિંહ પરમારની તબિયત લથડી હોવાના સમાચાર મળતા જ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પ્રદિપસિંહ જાડેજા લગભગ અડધો કલાક જેટલો સમય હોસ્પિટલમાં રોકાયા હતા અને મંત્રી ભીખુસિંહ પરમારના ખબરઅંતર પૂછ્યા બાદ સારવાર કરતા તબીબો તથા ભીખુસિંહ પરમારના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. ભીખુસિંહ પરમારની સારવાર કરી રહેલા તબીબો સાથે સ્વાસ્થ્ય અંગેની ચર્ચા પણ કરી હતી.