લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ રાજીનામું આપવા માટે તૈયારી દર્શાવી છે. ભૂપેન્દ્ર ચૌધરીએ જે. પી. નડ્ડાની સામે રાજીનામાની રજૂઆત કરી છે. તેમણે પોતે ઉત્તર પ્રદેશમાં પક્ષના નબળા પ્રદર્શનની જવાબદારી સ્વીકારી છે અને રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હકીકતમાં, ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારથી ભાજપમાં હલચલ મચી ગઈ છે. ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને 37, ભાજપને 33, કોંગ્રેસને 6, આરએલડીને 2, આઝાદ સમાજ પાર્ટીને 1 અને અપના દળને 1 બેઠક મળી છે. ઉત્તર પ્રદેશમાં ઘણી હાઇ પ્રોફાઇલ બેઠકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, રાહુલ ગાંધી રાયબરેલીથી, ડિમ્પલ યાદવ મૈનપુરીથી, મહેશ શર્મા ગૌતમ બુદ્ધ નગરથી અને ચંદ્ર શેખર નગીનાથી જીત્યા છે.
યુપીમાં હાઈ-પ્રોફાઇલ બેઠકો કાં તો ભાજપ દ્વારા ગુમાવી દેવામાં આવી છે, અથવા ઉમેદવારો ખૂબ મુશ્કેલીથી જીત્યા છે. ભાજપે અમેઠી, ફૈઝાબાદ, કન્નૌજ, રાયબરેલી અને મૈનપુરી જેવી મોટી બેઠકો ગુમાવી હતી. આ મોટી ખોટ શા માટે અને કેવી રીતે થઈ તેની ચર્ચા વચ્ચે જવાબદારોના નામ પણ માંગવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગુરુવારે ભૂપેન્દ્ર ચૌધરીએ આ નબળા પ્રદર્શન માટે પોતાને જવાબદાર ગણાવીને રાજીનામાની રજૂઆત કરી છે.
યુપી બાદ મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપને ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડનવીસે પણ રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપના નબળા પ્રદર્શન માટે હું સંપૂર્ણ જવાબદારી લઉં છું કારણ કે હું પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યો હતો. હું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સમય આપવા માંગુ છું. હું ભાજપ હાઇકમાન્ડને વિનંતી કરું છું કે મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી હું આગામી ચૂંટણીઓ માટે પાર્ટી માટે સખત મહેનત કરી શકું.’