Site icon Revoi.in

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના ગુણ કૌભાંડના મુદ્દે તપાસ કમિટી દ્વારા 10 કર્મચારીઓના નિવેદન લેવાયાં

Social Share

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણકૌભાંડ મામલે તપાસ અધિકારીઓ દ્વારા મંગળવારે વહીવટી ભવન ખાતે ઉચ્ચકક્ષાની બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એમબીબીએસ ગુણકૌભાંડ મામલે યુનિવર્સિટીના 10 કર્મચારીઓને નિવેદન માટે તપાસ બોલાવવામાં આવ્યા હતા. અને કર્મચારીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં લેવાયેલી એમબીબીએસની પ્રથમ વર્ષની પરીક્ષામાં ત્રણ વિધાર્થીઓના ગુણમાં સુધારો કરી નાપાસમાંથી પાસ કરવાના કૌભાંડમાં તે સમયના પરીક્ષા કન્વીનર તરીકે કુલપતિ ડો.જે.જે.વોરાનું પ્રાથમિક તપાસમાં નામ બહાર આવ્યુ હતું અને તપાસ બાદ કારોબારી સમિતિ દ્વારા સરકારના આદેશ મુજબ ચાર્જશીટ રજુ થયા બાદ ખાતાકીય તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે સિધ્ધપુર ગ્લોબલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને તપાસ અધિકારી એચ.એન.ખેર દ્વારા પ્રથમ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કૌભાંડ મામલે કુલપતિ સહિત કર્મચારીઓની પૂછપરછ કરી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારે હવે આ તપાસમાં જરુરિયાત પ્રમાણે વિવિધ કર્મચારીઓ તેમજ રિએસેસમેન્ટ કમિટીમાં રહેલા કર્મચારીઓના પણ આગામી સમયમાં નિવેદન લેવા માટે નકકી કરવામાં આવ્યું હતું .જે અનુસંધાને મુખ્ય તપાસ અધિકારી એચ.એન.ખેર અને સહયોગી અધિકારી જે.જે.દરજી સહિતની ટીમ દ્વારા મંગળવારે 10 જેટલા વ્યકિતઓને કૌભાંડના નિવેદન મામલે પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યા હતા.

દરમિયાન મુખ્ય તપાસ અધિકારીએ એચ.એન. ખેરએ જણાવ્યું હતું કે, મેડિકલ માર્કશીટ કૌભાંડના આક્ષેપો છે તેની અમે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરી રહ્યા છીએ. જેને ખાતાકીય તપાસ કહેવાય આ ખાતાકીય તપાસમાં પહેલી બેઠેક શરૂઆતમાં બોલાવી હતી .મંગળવારે બીજી બેઠક બોલાવી હતી. જેમાં લાગતા વળગતા અધિકારોને બોલાવી નિવેદનો લેવાયા છે. આ નિવેદનોના આધારે તહોમતદાર છે તેને ક્રોસ એક્ઝામિનેશન કરાશે ત્યાર બાદ અમે રિપોર્ટ આપીશું એટલે થોડી પ્રોસેસમાં વાર લાગશે. એટલે કદાચ એક બે મહિનાનો ટાઈમ લાગશે. પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ બંધારણની કલમ 311 મુજબ એ પ્રમાણે પ્રોસેસ કરવી પડે છે.