અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગ પરીક્ષાની 28 ઉત્તરવહી ગુમ થતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરીને એક પ્રોફેસર સહિત યુનિ.ના કર્મચારીઓની પૂછપરછ કરીને તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત ચાર જેટલા કર્મચારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મેસેજ ડિલિટ કર્યા હોવાની શંકાને લીધે મોબાઈલ ફોન એફએસએલને તપાસ માટે મોકલવામાં આવશે, યુનિવર્સિટીમાંથી પરીક્ષાની ઉત્તરવહીઓ ગુમ થવાનું કૌભાડ એનએસયુઆઈ અને કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓને બહાર લાવીને એબીવીપી સાથે કથિતરીતે જોડાયેલા એક વિદ્યાર્થી નેતા સંડોવાયાનો આક્ષેપ કરતા આ મુદ્દે એબીવીપીએ કૂલપતિને મળીને આ કૌભાંડમાં જે પણ સંડોવાયેલું હોય તે તમામ સામે નિષ્પક્ષ તપાસ કરવા માગ કરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસને સમર્થન આપ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડ મામલે યુનિવર્સિટીના કર્મચારીઓની સંડોવણી હોવાની પૂરી શક્યતા છે. પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે પોલીસ દ્વારા યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસર સહિત 10 લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાર કર્મચારીઓના મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે આ મામલે હજુ સુધી એક પણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ બનાવ સાથે જોડાયેલા પ્રોફેસર, કર્મચારીઓ સહિત 10 લોકોના નિવેદન નોંધ્યા છે. હજુ પણ વધુ વિદ્યાર્થીઓની નિવેદન લેવામાં આવશે, તેમાં જે વિગત મળશે તેના આધારે તપાસ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી ગાયબ કૌભાંડના 8 દિવસ બાદ ABVP પણ મેદાનમાં આવ્યું છે. અને ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિને રજૂઆત કરવા પહોચ્યું હતું. ABVPના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીમાં પ્રવેશ્યા હતા. કુલપતિને કૌભાંડ મામલે આવેદન આપ્યું હતું. આ અંગે જે પણ સંડોવાયેલું હોય તે તમામ સામે નિષ્પક્ષ તપાસ કરવા માગ કરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસને પણ સમર્થન આપ્યું હતું.
આ કેસની વિગતો એવી છે. કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત તા. 10 જુલાઈએ Bsc નર્સિંગના ચોથા વર્ષની પરીક્ષા લેવામાં આવી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા ચાલી હતી.ત્યારબાદ જે તે સેન્ટરના ઓબ્ઝર્વર દ્વારા પરીક્ષામાં ઉત્તરવહી બોટની વિભાગમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે બોટની વિભાગમાંથી 28 ઉત્તરવહી ગાયબ થઈ હતી. વહેલી સવારે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીમાં હોબાળો કરીને ઉત્તરવહીની ગણતરી કરાવી ત્યારે 28 ઉત્તરવહી ઓછી હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ NSUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે 28 ઉત્તરવહી ગાયબ થઈ તે તમામના નામ અને કોલેજના નામ ભેગા કર્યા હતા.ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.12 જુલાઈએ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલી ઉત્તરવહી ગાયબ થઈ તેનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો નહતો. કહેવાય છે. કે, ગુજરાત યુનિવર્સિટીના કેટલાક કર્મચારીઓ તથા બહારના એજન્ટ કૌભાંડમાં સામેલ છે. પોલીસ દ્વારા પણ એજન્ટની તપાસ કરવાના આવી છે, પરંતુ એજન્ટ ફરાર છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ શંકાસ્પદ છે, તેમના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવશે. તેમાંથી જે વિગત મળશે, તેના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે અનેક ખુલાસા કરવામાં આવી શકે છે.