Site icon Revoi.in

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ: ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ‘ગુજકો માર્ટ’નો અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર શુભારંભ થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન – ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપરમાર્કેટ – મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન- નેતૃત્વકાળને ૨૩ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઊજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ‘સહકારી સુપર માર્કેટ’ રિટેલ ચેઇનના વિકાસની દિશા ખૂલી છે.

સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણી તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા આ સહકારી સુપર માર્કેટ – ગુજકો માર્ટને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગુજકો માર્ટના લોકાર્પણ પ્રસંગે દિલીપ સાંઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે સહકારથી સમૃદ્ધિ સાધવાનો, ઓર્ગેનિક ધાન્ય, મીલેટને પ્રોત્સાહન આપવાનો તેમજ આત્મનિર્ભરતાનો રાહ ચીંધ્યો છે. આ માર્ગે આગળ વધીને ગુજકોમાસોલ રાજ્યના ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે માટે ગુજકો માર્ટનો પ્રારંભ કરાયો છે.

તેમણે વધુમાં કહ્યું કે અલગ અલગ ખેત ઉત્પાદન જે જિલ્લામાં થતું હોય તેનું મૂલ્યવર્ધન (વેલ્યૂ એડિસન) કરીને લોકો સમક્ષ મૂકવા માટે  ગુજકોમાસોલ કાર્યરત છે. ગુજકો માર્ટના માધ્યમથી લોકોને ગુણવત્તાવાળી, શુદ્ધ, મૂલ્યવર્ધક અને કિંમતમાં પરવડે તેવી પ્રોડક્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. નાનાં- મોટાં નગરો અને મહાનગરોમાં સારા લોકેશન પર ગુજકો માર્ટ સુપર માર્કેટ ખોલવાનું આગામી આયોજન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે કહ્યું કે,  ઓર્ગેનિક ફાર્મ પ્રોડક્ટના માર્કેટિંગ અને સેલિંગ માટેનું  એક કોમન પ્લેટફોર્મ ગુજકો માર્ટના માધ્યમથી ખેડૂતોને મળી ગયું છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલ, ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ બિપિન પટેલ (ગોતા), ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીન, ગુજકોમાસોલના પૂર્વ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર તથા ગુકોમાસોલના ડિરેક્ટરો સહિતના સહકાર ક્ષેત્રના મહાનુભાવો, ખેડૂતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.