અમદાવાદઃ નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી CISFના સંયુક્ત ઉપક્રમે આજે સોમવારના રોજ ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતે વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક શંકાસ્પદ બેગ મળવાથી ફેલાયેલી અફવાના કારણે સ્ટેચ્યુ પરિસરમાં અંદર વિવિધ વિભાગો નિહાળતા પ્રવાસીઓમાં ભાગદોડ મચી જવાની સાથે પોતાનો જીવ બચાવવા બુમાબુમ કરી બહાર નીકળતા અફરાતફરી મચી હતી. દુર્ઘટના સ્થળેથી લોકોને સલામત રીતે હેમખેમ બહાર નિકાળવામાં થયેલી ધક્કા-મુક્કીમાં ત્રણ પ્રવાસીઓને આંતરિક અને બાહ્ય ઇજાઓ સાથે દુર્ઘટનાથી ભયભીત થવાને લીધે અમુક લોકોને આધાત પહોંચ્યો હતો અને બેહોશ થઈ ગયા હતા. જેના લીધે એક પ્રવાસી બેભાન થઇ ગયો હતો. તેને L&Tની ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમ નીચે પ્રાંગણના ટ્રાયેજ એરિયામાં ખૂબ જ ઝડપથી લઇ આવ્યા હતા. તદઉપરાંત 83 મીટરની ઉંચાઇએ પ્રતિમાના પગ પાસેના સ્થળેથી અન્ય એક પ્રવાસી ધક્કા મુક્કીમાં પડી જતા તેને સામાન્ય ઇજા પહોંચી હતી. આ પ્રવાસીને ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમ બહાર ટ્રાયેજ એરિયામાં લઇ આવી હતી. તેવી જ રીતે SOU ના ભોંયતળીયે પણ એક પ્રવાસી ધક્કા મુક્કીમાં પડી જતાં તેને પણ ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે ઝડપથી મ્યુઝિયમની બહાર ટ્રાયેજ એરિયામાં લાવતાની સાથે જ મેડીકલ ટીમ, ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફ અને પ્રાથમિક સારવારની જરૂરી સાધન-સામગ્રી સાથે ટ્રાયેજ એરિયામાં દોડી આવી હતી. તુરત જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક પ્રવાસીની તાત્કાલિક પ્રાથમિક સારવારની સાથોસાથ તેને પ્રાથમિક સારવાર આપી 108 એમ્બ્યુલન્સની મદદથી વધુ સારવાર માટે રાજપીપલાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે સામાન્ય ઇજાગ્રસ્ત દર્દીને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર અપાઈ હતી.
આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ભાગરૂપે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સવારે પ્રથમ સ્લોટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જુદા-જુદા ભાગોની મુલાકાત લઇ આ પ્રતિમાની વિશેષતા અને પરિસરના મ્યુઝિયમ, પિક્ચર ગેલેરી વગેરે સ્થળોએ ઐતિહાસિક ઘટનાઓના પ્રદર્શિત કરાયેલા સચિત્ર પ્રદર્શનને રસપૂર્વક નિહાળી રહ્યા હતાં, ત્યારે જ એક બિનવારસી બેગ મળી આવતા આતંકી હૂમલો થયાની શક્યતાએ ખોટી માહિતી લોકો દ્વારા ફેલાતા એકાએક તેનાથી ઉપસ્થિત પ્રવાસીઓમાં ખોટી અફવા ફેલાઇ હતી. તેના કારણે લોકોમાં ભાગદોડ મચી જવા સાથે ધક્કા-મુક્કીથી દુર્ઘટના સર્જાઇ હતી. પ્રવાસીઓમાં અફવા ફેલાવાની સાથે જ સ્ટેચ્યુની વ્યુઇંગ ગેલેરીમાં હાજર અંદાજે ૬૦ થી ૭૦ જેટલાં પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા રસ્તો શોધી રહ્યા હતાં. તેવામાં ધક્કા-મુક્કીમાં એક પ્રવાસી બેભાન થઇ જતા તેને આંતરિક ગંભીર ઇજાઓ પહોંચી હતી. અન્ય પ્રવાસીઓને પણ L&T ની ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે લિફ્ટ મારફત સહીસલામત રીતે નીચે લાવીને તેમને ખૂબ જ ઝડપી SOUના પાર્કીંગના સામેવાળા એસેમ્બલી વિસ્તારમાં સલામત રીતે સ્થળાંતર કરાવ્યૂં હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની ૮૩ મીટરની ઉંચાઇએ પ્રતિમાના પગ પાસેની ગેલેરીના પ્રવાસીઓ વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિકંદારાઓ અને પ્રાકૃતિક સૌદર્યનો અદભૂત નજારો માણી રહ્યાં હતા, ત્યારે આ અફવાને પગલે અહીં હાજર એક સામાન્ય ઇજાગ્રસ્ત પ્રવાસી સિવાય અન્ય તમામ અંદાજે 25 થી 30 જેટલા પ્રવાસીઓને પણ હેમખેમ SOUની બહાર એસેમ્બલી પોઇન્ટ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.
SOU ખાતે સર્જાયેલી આ દુર્ઘટના બાદ તુરત જ L&T મેનેજમેન્ટની ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે SOUના ભોંયતળીયે કાર્યરત કન્ટ્રોલ રૂમને દુર્ઘટનાની જાણ કરાઇ હતી. ત્યારબાદ CISF ના કન્ટ્રોલ રૂમને જાણ કરાઇ હતી. બાદમાં જિલ્લા પ્રસાશનની તાત્કાલિક મદદ માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ખાતે સંદેશો પાઠવાયો હતો. ત્યારબાદ L&T ના કંન્ટ્રોલ રૂમે તુરત જ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સશ્રી ચાવડાને આ દુર્ઘટનાની જાણ કરાઇ હતી. તુરંત જ શ્રી ચાવડા દ્વારા L&T ના આંતરિક સંબંધિત અધિકારી/કર્મચારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરને ખાલી કરાવવાની સૂચના અપાઇ હતી. સાથે CISF ના જવાનોએ પણ જૂના એલ એન્ડ ટીના બ્રીજ તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર તરફથી પરિસરમાં પ્રવેશ કરી બચાવ અને રાહત કામગીરીની કમાન સંભાળી હતી.
SOU ખાતે અફવાથી સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે L&T, CISF વગેરે મારફત રાજપીપલા મુખ્યમથકે રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને અપાયેલી જાણકારીને પગલે તેમના દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધી, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, જિલ્લા આરોગ્ય તંત્ર, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ, ડોગસ્ક્વોડ, વીજ વિભાગ, જિલ્લા માહિતી કચેરી સહિત સંબંધકર્તા તમામને આ દુર્ઘટનાની જાણકારી આપતાની સાથે જ તમામ વિભાગોના અધિકારીઓએ પણ તેમના કાર્યક્ષેત્રના કર્મયોગીઓને જાણ કરીને રાહત બચાવની કામગીરી તાત્કાલિક ઝડપથી હાથ ધરવાની સૂચના આપી હતી. ત્યારબાદ જિલ્લાકક્ષાના અધિકારીઓ પણ તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સંબંધિત અધિકારીઓએ રાહત બચાવની કામગીરીમાં જરૂરી સૂચના માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતા CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંગ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પ્રાંત અધિકારી સહિતનાઓએ SOUના ભોંયતળિયે કાર્યરત CISF ના કન્ટ્રોલરૂમમાં પહોંચી રાહત-બચાવની સમગ્ર કામગીરીની બાગડૌર સંભાળી લીધી હતી. આ કન્ટ્રોલ રૂમમાંથી જ SOU પ્રતિમા સ્થળના વિવિધ લોકેશનના CCTV કેમેરાના જીવંત દ્રશ્યો નિહાળીને આ રાહત બચાવના ઓપરેશનમાં જોડાયેલ સંબંધકર્તાઓને સતત જરૂરી સૂચનાઓ વોકીટોકી દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.
SOU પરિસરમાં ફરજ પર તૈનાત CISF ના જવાનો મારફત SOU માં પ્રવેશ માટેના તમામ ગેટ તાત્કાલિક અસરથી બંધ કરાવી પ્રવાસીઓ કે અન્ય મુલાકાતીઓનો પ્રવેશ રોકવાની સૂચના અપાઇ હતી. તેની સાથોસાથ SOU ના સમગ્ર પરિસરમાં જુદા જુદા સ્થળોએ ફરજ પર તૈનાત L&T ના અધિકારીઓ/કર્મચારીઓ અને CISF ના જવાનોને પણ સયુંક્ત રીતે SOU પરિસરમાંથી સલામત રીતે લોકોને બચાવીને શક્ય તેટલા ઝડપથી બહાર કાઢીને એસેમ્બલી સ્થળે ખસેડવાની સૂચનાના પગલે ગણતરીની મિનિટોમાં જ ઇજાગ્રસ્ત પ્રવાસીઓ સિવાયના તમામ અંદાજે 100 થી વધુ પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ પણ L&T ના સિક્યુરીટી ઓફિસરશ્રી ચાવડાએ L&T ના ફરજ પરના સુરક્ષા કર્મીઓને પુન: સૂચના જારી કરીને ફરીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની પ્રત્યેક સ્થળ-ગેલેરીના ખૂણેખૂણા સંપૂર્ણ રીતે ઝડપથી ચકાસીને કોઇપણ પ્રવાસી અંદર રહી ગયા નથી કે, ઇજાગ્રસ્ત થઇને પડેલ નથી તેની પણ ખાત્રી કરી ભયમુક્ત અને સલામત જાહેર કર્યો હતો.
મોકડ્રીલના અંતે L&T ના મેનેજર શૈલેષ ચાવડાએ CISF ના કંન્ટ્રોલ રૂમમાં પહોંચીને CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંગ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ ઓપરેશન દરમિયાન ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે યોગ્ય સ્થળે પહોંચાડવા ઉપરાંત તમામ પ્રવાસીઓના સલામત સ્થળાંતરની ઇવેક્યુએસનની કામગીરી પૂર્ણ થવાનો સંદેશો આપ્યો હતો. જેના પગલે કંટ્રોલ રૂમમાંથી જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ કંટ્રોલરૂમની બહાર આવી ગયા હતા.
ઉક્ત દુર્ઘટનાના મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંગના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી, જેમાં નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દુધાત, પ્રાંત અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારી, ગરૂડેશ્વર મામલતદાર મનીષ ભોય, ડિઝાસ્ટર મામમતદાર મેહુલભાઈ વગેરે તરફથી આ બેઠકમાં ઓપરેશન દરમિયાનના ધ્યાને આવેલા અને રજૂ થયેલા તારણો અંગે જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી. ભવિષ્યમાં રિયલમાં આવી કોઈ સંભવત: દુર્ઘટના સમયે ખાસ બાબતોની પૂર્તતા સાથે આગોતરું સુચારુ આયોજન ઘડી કાઢવા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ વિભાગોના અધિકારી/કર્મચારીઓને એકબીજા સાથે સંદેશા વ્યવહારની ઝડપી આપલે કરવાની સાથોસાથ તમામ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે સુસંકલન સતત જારી રહે તે સુનિશ્વિત કરવાની અપીલ કરી હતી.