Site icon Revoi.in

પંજાબ વિધાનસભામાં ભગતસિંહ અને ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાશે

Social Share

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભામાં શહીદ-એ-આઝમ ભગતસિંહ અને બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ભગતસિંહના બલિદાન દિવસે પણ સરકારી રજા રહેશે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય સીએમએ 23 માર્ચે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસની રજાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણય આ 23 માર્ચથી લાગુ થશે એટલે કે બુધવારે પંજાબમાં સરકારી રજા રહેશે.

દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ બાજવાએ વિધાનસભામાં મહારાણા રણજીત સિંહની પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહારાજાને આધુનિક પંજાબના આર્કિટેક્ટ માનવામાં આવે છે. પાકિસ્તાનના લાહોરમાં તેમની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. અગાઉ, ભગવંત માને જાહેરાત કરી હતી કે તેઓ 23 માર્ચે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન પણ શરૂ કરશે. તેના દ્વારા કોઈપણ વ્યક્તિ વોટ્સએપ પર તેમના નંબર પર લાંચ કે કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારની ફરિયાદ કરશે. આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા ભગવંત માને કહ્યું હતું કે પંજાબના ઈતિહાસમાં આજ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી. શહીદ ક્રાંતિકારી ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં ભગવંત માને સીએમ તરીકે શપથ પણ લીધા હતા. પંજાબ સરકારે જાહેરાત કરી છે કે સરકારી ઓફિસોમાં મુખ્યમંત્રીની તસવીરો પ્રદર્શિત કરવામાં આવશે નહીં. તેમની જગ્યાએ ભગત સિંહ અને ભીમરાવ આંબેડકરની તસવીરો લગાવવામાં આવશે. તાજેતરમાં પંજાબમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. દરમિયાન ભગવંત માને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.