જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં 26મી જુલાઈ સુધી ASI સર્વેની કામગીરી ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે
વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં એએસઆઈની સર્વે મામલે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યાં હતા. સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષકારોને સમગ્ર મામલે હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ તા. 26મી જુલાઈ સુધી સર્વેની કામગીરી ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. હવે સમગ્ર મામલે મુસ્લિમ પક્ષકારો હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બુધવારે સાંજે 5 વાગ્યા સુધી સર્વેની કામગીરી નહીં કરતા નિર્દેશ કર્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદના પ્રબંધન પર દેખરેખ રાખતી અંજુમન કમિટીએ વારાણસી જિલ્લા અદાલતના કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા મસ્જિદ સંકુલના સર્વેક્ષણના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. સ્થાનિક અદાલતે જ્ઞાનવાપી કેમ્પસમાં એએસઆઈ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધી જમા કરવાનો નિર્દેશ કર્યો છે.
વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્દિજમાં એએસાઆઈ સર્વેનો નિર્દેશ કર્યો હતો. દરમિયાન સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. અંજુમન કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ બેન્ચને જણાવ્યું કે, સર્વેનો આદેશ શુક્રવારે આપવામાં આવ્યો હતો. અમને અપીલ કરવાની તક ન મળી અને સર્વે શરૂ થયો. તેમણે કહ્યું કે, જો ઓર્ડરમાં ખોદકામ લખેલું હોય તો અમને અપીલ કરવાની તક મળવી જોઈએ. જ્યારે CJIએ પ્રશ્ન કર્યો કે સર્વે દરમિયાન ખોદકામ થશે તો યુપી સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે સર્વે આધુનિક ટેક્નોલોજીથી કરવામાં આવશે. આમાં કોઈ નુકસાન થશે નહીં. હિંદુ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને પણ કહ્યું કે સર્વેમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં.
મુસ્લિમ પક્ષના વકીલે બેન્ચને કહ્યું હતું કે, અમે સર્વે માટે બે-ત્રણ સ્ટેની વિનંતી કરી હતી પરંતુ તેઓ રોકાયા ન હતા. અમે માનીએ છીએ કે વૈજ્ઞાનિક સર્વેક્ષણનો સમય હજુ આવ્યો નથી. પ્રથમ કેસ મેરિટ પર જોવો જોઈએ. પશ્ચિમી દિવાલ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. યુપી સરકારના વકીલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે મેં માહિતીઓ મેળવી છે. ત્યાં કોઈ ઈંટ ખસેડવામાં આવી નથી. મહેતાએ કહ્યું, એક અઠવાડિયા સુધી કોઈ નુકસાન નહીં થાય. ત્યાં સુધી તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે, પરંતુ અહમદીએ આગ્રહપૂર્વક સર્વેને રોકવાની માંગ કરી હતી.