Site icon Revoi.in

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા 1લી જુલાઈથી યોજાશે, કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા. 1 જુલાઈથી યોજવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે દ ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય લેવાયો હતો. ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5.43 લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6.83 લાખ  વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. મુખ્યમંત્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1 ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા. 1 જુલાઈથી શરૂ થનાર પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે