ધો. 9થી 12ના પાઠ્ય-પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીનો વિષય સમાવાશે, નવા શૈક્ષણિક સત્રથી અમલ
ગાંધીનગરઃ ભારત દેશ કૃષિ પ્રધાન છે, અને વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી તે માટે અભ્યાસક્રમમાં તેને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાશે. તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
રાજ્ય શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં ધોરણ-9 થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને ઉપરાંત વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર થશે. તે ઉપરાંત ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક મુહિમ છેડી છે. ત્યારે રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી અવસ્થા દરમિયાન શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ-9 ના સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રમશઃ ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.