ધો. 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી 7મી ફેબ્રુઆરીએ લેવાશે, 6ઠ્ઠી ડિસેમ્બરથી ફોર્મ ભરાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધની કસોટી આગામી 7મી, ફેબ્રુઆરી-2022ના રોજ લેવામાં આવશે. જોકે પ્રખરતા કસોટીમાં ઉત્તર્ણી થયેલા અને મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ તરફથી એક વખત 1000નો પુરસ્કાર અપાય છે. પરીક્ષામાં નિયત કરેલા મેરીટ સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીને આર્થિક સહાય આપવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ-9ના હોંશિયાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટી આગામી 7મી, ફેબ્રઆરીએ લેવાશે. કસોટીમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી 6ઠ્ઠી ડિસેમ્બરથી 26મી, ડિસેમ્બર-2021 સુધી ચાલુ રહેશે. આથી પ્રખરતા શોધ કસોટી આપવા માંગતા વિદ્યાર્થીઓઓ પોતાની સંપુર્ણ વિગતો શાળાને આપવાની રહેશે. પ્રખરતા શોધ કસોટી માટેના ફોર્મ ભરતી વખતે શાળાએ ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવે છે. તેજ રીતે ફોર્મમાં શાળાનો ઇન્ડેક્ષ નંબર નાંખવાનો રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,પ્રખરતા શોધ કસોટીના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી કરીને માન્ય રહેલા ફોર્મના વિદ્યાર્થીઓને પરીક્ષાની રસીદ પણ ઓનલાઇન આપવામાં આવશે. પ્રખરતા શોધ કસોટી ઓએમઆર પધ્ધતિથી લેવામાં આવશે. તેમાં પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાનનું કુલ-100 ગુણનું રહેશે. જ્યારે બીજુ પેપર ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતાનું પણ કુલ-100નું રહેશે. પ્રખરતા શોધ કસોટી વધુને વધુ ધો. 9ના વિદ્યાર્થીઓ આપે તે માટે શાળાઓ દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પરીક્ષા માટે આગામી તા. 6ઠ્ઠી ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે.