અમદાવાદઃ રમકડાં નાના બાળકોના હંમેશાથી પ્રિય રહ્યાં છે, આજના આધુનિક જમાનામાં હવે પ્લાસ્ટિક, ફાયબર, સીલીકોન, રબરના બિન ટકાઉ રમકડાઓનો વપરાશ વધ્યો છે. યુઝ એન્ડ થ્રો જેવા આ રમકડાઓ વચ્ચે પણ હજુ લુહાર કામના કારીગરો દ્વારા લોખંડમાંથી બનાવાતા પરંપરાગત મજબૂત રમકડાનું અસ્તિત્વ પણ બાળકોમાં હજુ એકબંધ રહ્યું છે. આ રમકડાઓમાં ગાડું, ટ્રક, જેસીબી, ટ્રેક્ટર રીક્ષા છકડો ડમ્પર સાયકલ સહિતનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિકના રમકડાંથી બાળકોના આરોગ્યને નુકશાન થતું હોવાનું અનેકવાર સર્વેમાં સામે આવ્યું છે. ત્યારે લોકંડના રમકડાં લાંબો સમય સુધી ચાલવાની સાથે તેનાથી કોઈ નુકશાન નહીં થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના જામકા ગામના મિકેનલ એન્જિનિયર ગૌતમ જેન્તીભાઈ મકવાણાએ પોતાના બાપ દાદાના જ વ્યવસાયમાં જ ઝંપલાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હા ચોક્કસ પ્લાસ્ટિક અને રબરના રમકડાઓના કારણે અમારા લોખંડના રમકડાઓનું માર્કેટ ડાઉન છે, તેમ છતાં પણ હજુ પણ ચોક્કસ એવો વર્ગ છે એ મજબૂત અને ટકાઉ એવા લોખંડના રમકડાઓને પસંદ કરે છે. આ રમકડાઓને દાયકાઓ સુધી – જીવનભર સાચવી શકાય છે, તેમાં કોઈ તૂટવાની કે એવી કોઇ નુકસાન થતી નથી. સમયાંતરે ઓઇલ પેન્ટ કરવાથી આ રમકડાઓ કાયમ નવા જ રહે છે. તેમજ આ રમકડા રીપેરેબલ છે.
ગૌતમભાઈ પોતે મિકેનિક હોવાથી તેમને રમકડાની ડિઝાઇન સ્ટ્રક્ચરમાં પણ ઘણો ફેરફાર કર્યો છે, મોર્ડન લુક આપવાનો પ્રયાસ કરાયો છે.અમારા નાનકડા એવા જામકા ગામમાં તો અમારા રમકડાનું વેચાણ ખૂબ ઓછું થાય છે નહીવત જ છે સમજો, એટલે માર્કેટિંગ માટે અમારે શહેરોમાં જવું પડતું હોય છે, એવામાં સરકાર દ્વારા હસ્ત કલાના કારીગરો માટેના મેળાના માધ્યમથી અમને એક વિશાળ માર્કેટ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એ માટે અમે સરકારના આભારી છે.આ મેળામાં પણ અમારા રમકડાઓનું સારું એવું વેચાણ થતું રહે છે, પ્રસિદ્ધિ પણ મળે છે જે આગળ જતા અમને ફાયદો અપાવે છે.
જામકામાં આશાદીપ સ્વ સહાય જૂથમાં ગૌતમભાઈના માતા ચંદ્રિકાબેન મકવાણા છેલ્લા ૧૫ વર્ષથી સભ્ય છે અને આ જૂથની બહેનો દ્વારા લોખંડના રમકડા બનાવવા, તેને કલર કરવા સહિતના કામો કરવામાં આવે છે. આ જૂથને જૂનાગઢમાં જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી દ્વારા યોજાયેલા સખી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેમાં તેઓને સારું એવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો હતો.
ચંદ્રિકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, અમને રમકડા નો ધંધાનો વ્યાપ વધારવા માટે રૂપિયા બે લાખની લોનની માગણી મૂકી છે. અમને ૩૦ હજારનો રેવોલવીંગ ફંડ પણ મળ્યો હતો. સરકારી પ્રોત્સાહન થકી અમારો વ્યવસાય ટકી શક્યો છે અને અનેક બહેનોને આ વ્યવસાય દ્વારા રોજગારી મળી રહે છે.