Site icon Revoi.in

ખાદ્યતેલોમાં વધતા જતા ભાવ વધારાને અંકુશમાં વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરાઈ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયુ હોવા છતાં સિગતેલના ભાવમાં પણ અસામાન્ય વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં છેલ્લા કેટલાક સમયથી રેકર્ડબ્રેક અને બેફામ તેજીને પગલે ગુજરાત સરકારે છેવટે ખાદ્યતેલોમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ આગામી 30 જુન સુધી આ સ્ટોક મર્યાદા લાગુ રહેશે. જેમાં રીટેલ, હોલસેલ તથા ડેપો ધરાવતા વપરાશકારો માટે ખાદ્યતેલને સ્ટોક કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત આ વેપારીઓએ નિયમિત રીતે સ્ટોકની માહિતી પણ આપવાની રહેશે.

રાજયના નાગરિક પુરવઠા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ખાદ્યતેલો પરની સ્ટોક મર્યાદા અંતર્ગત રીટેલ વેપારીઓ મહતમ 30 કવીન્ટલ સુધીનો સ્ટોક રાખી શકશે. જયારે હોલસેલ વેપારીઓ 500 કવીન્ટલ સુધીના ખાદ્યતેલનો જથ્થો રાખી શકશે. ડેપો ધરાવતા મોટા વપરાશકારો 1000 ક્વીન્ટલનો જથ્થો રાખી શકશે. જ્યારે તેલ ઉત્પાદકો સ્ટોરેજ કેપીસીટીના 90 દિવસનો સ્ટોક રાખી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ તેલિબીયા માટે પણ સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી છે. જેમાં રીટેલ વેપારીઓ માટે 100 ક્વીન્ટલ, હોલસેલ વેપારીઓ માટે 2000 ક્વીન્ટલની સ્ટોક મર્યાદા રહેશે. તમામે તમામ પ્રકારના ખાદ્યતેલ અને તેલીબીયાને આ સ્ટોક હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સ્ટોક લીમીટ ઓર્ડરમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે નિકાસ માટેના જથ્થાને સ્ટોક મર્યાદા લાગુ નહીં પડે, આ જ રીતે આયાત કરવામાં આવેલ ખાદ્યતેલના આયાતકારને પણ છુટછાટ રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્રની ઓઈલમિલમાં 1200 ટન મગફળીનું પિલાણ થાય છે. જેમાં દૈનિક સિંગતેલનું ઉત્પાદન 300 ટન થાય છે. અત્યારે મગફળીની આવક વધી રહી છે. આમ છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સિંગતેલમાં રૂ.40નો વધારો આવ્યો છે. સિંગતેલના ભાવ રૂ.2420 થયો હતો. જ્યારે કપાસિયાનો ભાવ રૂ.2400 એ પહોંચવામાં માત્ર રૂ.50નું જ છેટું રહ્યું છે. જોકે સરસવમાં નવી સિઝન શરૂ થવાની તૈયારી છે. જેને કારણે વેપારીઓ અને સંગ્રહખોરો જૂનો માલ વેચવા માટે કાઢી રહ્યા છે. સામે લેવાલી નથી. જેને કારણે સરસવ તેલમાં નરમ વલણ જોવા મળે છે. સરસવ તેલનો ડબ્બો રૂ.2530નો થયો છે.