મુંબઈઃ શેરબજારમાં હાલ તેજીનો પવન ફુંકાઈ રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં નવા-નવા ઈન્વેસ્ટરો શેરબજારમાં રોકાણ કરવા આકર્ષાઈ રહ્યાં છે. જેથી દેશમાં શેરબજારમાં રોકાણકારોનો આંકડો 7 કરોડને પાર પહોંચ્યો છે. બ્રિટેન અને ફ્રાંસની વસતી કરતા પણ વધારે ઈન્વેસ્ટરો બીએસઈમાં નોંધાયેલા છે. વાર્ષિક ધોરણે 39 ટકાની વૃધ્ધિ થઈ છે. ભારતમાં કોરોના મહામારીને પગલે ધંધા-રોજગારને અસર થઈ છે. જો કે, શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. જેથી મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લેવા રોકાણ કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં સૌથી વધારે ઈન્વેસ્ટરો મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે. મહારાષ્ટ્રમાં દોઢ કરોડ ઈન્વેસ્ટરો છે. જ્યારે બીજા ક્રમે ગુજરાતમાં 86 લાખ રોકણકારો છે. આવી જ રીતે ઉતર પ્રદેશમાંથી 53 લાખ, તામીલનાડુમાંથી 43 લાખ, તથા કર્ણાટકમાંથી 42 લાખ ઈન્વેસ્ટરો છે.દે શભરનાં કુલ ઈન્વેસ્ટરોમાંથી 53 ટકા આ પાંચ રાજયોનાં જ છે. આ બાદ પશ્ચીમ બંગાળ, દિલ્હી, આંધ્રપ્રદેશ, રાજસ્થાન તથા મધ્યપ્રદેશનો ક્રમ આવે છે. આમ 78 ટકા ઈન્વેસ્ટરો આ દસ રાજયોમાંથી જ છે. દસ લાખ દીઠ 51462 લોકો શેરબજારમાં રોકાણ કરે છે. દિલ્હીમાં દસ લાખ દીઠ સૌથી વધુ 182128 ઈન્વેસ્ટરો છે. સાત કરોડ ઈન્વેસ્ટરોમાંથી 38 ટકા 30 થી 40 વર્ષનાં વય જુથના છે. જયારે 24 ટકા 20 થી 30 ટકાની આયુના છે. 13 ટકા 40 થી 50 વર્ષની વય જુથના છે.
મુંબઈ શેરબજારનું માર્કેટ કેપીટલાઈઝેશન ગત 21 મેના રોજ પ્રથમ વખત ત્રણ ટ્રીલીયન ડોલરને પાર કરી ગયુ હતું અને વિશ્વનું આઠમા નંબરનું સૌથી મોટુ એકસચેંજ બન્યુ હતું. બીએસઈમાં રજીસ્ટર્ડ કંપનીઓનું મર્કેટ કેપ મુલ્યની દ્રષ્ટિએ 31 મેના રોજ, 223 લાખ કરોડ હતું.