શેર બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, રોકાણકારોને રૂ. 64000 કરોડનું નુકશાન
નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં આજે ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સ 314 પોઈન્ટ તુટીને બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ઘટીને 21450 પોઈન્ટ પર આવ્યો હતો. આમ શેર બજારમાં આજે રોકાણકારોના લગભગ 64000 કરોડનું ધોવાણ થયું હતું. ગુરુવારે સેંસેક્સ 313.90 પોઈન્ટ ઘટીને 71186.86 ઉપર બંધ રહ્યું હતું.જ્યારે નિફ્ટીમાં પણ 109.71 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
અમેરિકી બોન્ડ યીલ્ડ વધવાને કારણે ગુરુવારે સ્થાનિક બજારમાં વેચવાલીનું દબાણ બન્યું હતું. અમેરિકામાં હાલ મજબુત આર્થિક આંકડા વચ્ચે બજારમાં નરમાઈ આવી છે. શેર બજારમાં ઈન્ડેક્સ હેવીવેટ એચડીએફસીના શેરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. ભારતની સૌથી મોટી ખાનગી બેંકના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટી અને સેંસેક્સમાં એચડીએફસી ટોપ લુઝરમાં સામેલ કરી હતી.
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે ઘટીને 369.71 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. જે બુધવારે બજાર બંધ રહ્યું ત્યારે 370.35 લાખ કરોડ રુપિયા જેટલુ હતું. આમ બીએસઈમાં લિસ્ટેટ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 64 હજાર કરોડનો ઘટાડો થયો હતો.
બીએસઈ સેંસેક્સના 30 પૈકી 11 શેર તેજી સાથે બંધ રહ્યાં હતા. જેમાં સન ફાર્મા, ટેક મહિંદ્વા, ટાટા મોટર્સ, મહિંદ્રા એન્ડ મહિંદ્વા અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. જ્યારે સેંસેક્સના 19 શેર લાલ નિશાન સાથે બંધ રહ્યાં હતા.જેમાં એનટીપીસી, એચડીએફસી બેંક, પાવર ગ્રિડ, ટાઈટન અને એશિયન પેઈન્ટનો સમાવેશ થાય છે.