- સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- હિંસા બાદ હાલ એકંદરે શાંતિપૂર્ણ માહોલ
બેંગ્લોરઃ કર્ણાટકના માંડ્યામાં ગણેશ મહોત્સવ દરમિયાન યોજાયેલી શોભાયાત્રામાં ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસે 46 લોકોની ધરપકડ કરી છે. મોડી રાત્રે અહીંના નાગમંગલા શહેરમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો, જ્યાં પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જો કે, પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 14 સપ્ટેમ્બર સુધી ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
મંડ્યાના પોલીસ અધિક્ષક મલ્લિકાર્જુન બલદંડીએ જણાવ્યું હતું કે, “અમે બુધવારની ઘટનાના સંબંધમાં 46 લોકોની ધરપકડ કરી છે. સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. લોકો તેમના રોજિંદા કામ કરી રહ્યા છે. અમે કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસની વધારાની ફોર્સ તેમજ સાદા કપડામાં અન્ય પોલીસ અધિકારીઓને પણ તૈનાત કર્યા છે.”
પોલીસના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર લોકો એકઠા થવું, હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ, જાહેર સંપત્તિને નુકસાન અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, બુધવારે જ્યારે ભક્તો બદરીકોપ્પાલુ ગામમાંથી શોભાયાત્રા કાઢી રહ્યા હતા, ત્યારે બે જૂથો વચ્ચે તકરાર થઈ હતી અને કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
તેમણે કહ્યું કે બે જૂથો વચ્ચે અથડામણ બાદ કેટલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા હળવો બળપ્રયોગ કર્યો હતો. સરઘસ કાઢી રહેલા યુવાનોના એક જૂથે પોલીસ સ્ટેશન નજીક વિરોધ કર્યો અને હિંસા માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી.