Site icon Revoi.in

હરિયાણામાં VHPની યાત્રા પર પથ્થરમારો, બે હોમગાર્ડના મોત, સ્થિતિ સ્ફોટક, અનેક વાહનોને સળગાવી દેવાયા

Social Share

નવી દિલ્હીઃ  હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન  સ્થિતિ વણસતા ગોળીબાર અને પથ્થરમારો અને આગ લગાડવાના બનાવો બન્યા હતા. આ બનાવમાં બે હોમગાર્ડના મોત નિપજ્યા હતા.જ્યારે બે પોલીસ અધિકારીઓ ગંભીરરીતે ઘવાયા હતા. પરિસ્થિતિ સ્ફોટક બનતા ઈન્ટરનેટ બંધ કરીને ત્રણ જિલ્લામાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. દરમિયાન સળગતા વાહનો અને ધુમાડાના ગોટેગોટા મધરાતે પણ રસ્તા પર જોવા મળી રહ્યા હતા.

હરિયાણાના નૂહમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન હોબાળો થયો હતો. બંને જૂથો વચ્ચે અથડામણ બાદ ત્રણ ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ગોળી વાગવાથી બે લોકોના મોતનાં થયા હતા. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નૂહ જિલ્લા વહીવટીતંત્રે પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દળને બોલાવ્યા છે, સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરવાની સાથે 2 ઓગસ્ટ સુધી બે દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું. જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ બ્રજમંડળ યાત્રા નૂહના નલ્હાદ શિવ મંદિરથી ફિરોઝપુર-જીરકા તરફ શરૂ થઈ હતી. યાત્રા તિરંગા પાર્ક નજીક પહોંચી ત્યાં પહેલાથી જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સામસામે આવતાં જ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો અને થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. દરમિયાન નૂહના નલ્હાદ શિવ મંદિરની આસપાસ મોટી સંખ્યામાં ટોલાં એકઠા થયા હતા. જ્યાં પથ્થરમારાની માહિતી મળતાં પોલીસ દળને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ શિવમંદિરમાં 2 હજાર લોકો ફસાયા છે અને તેમાંથી મોટાભાગની મહિલાઓ છે.

નૂહમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાડોશી પલવલ, ફરીદાબાદ અને રેવાડી જિલ્લામાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. સોમવારે બપોરે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. નૂહ અને આસપાસના વિસ્તારોમાં હોડલ બાયપાસ પર પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી. અહીં તોફાની તત્વોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. બ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળતાંની સાથે જ નજીકના ગ્રામીણ વિસ્તારોમાંથી યુવાનોનાં જુદાં જુદાં જૂથો નૂહ શહેર તરફ કૂચ કરી ગયાં હતાં. હથિયારોથી સજ્જ આ લોકોએ રસ્તામાં આવતાં વાહનોની તોડફોડ કરી હતી. અને ઘણી જગ્યાએ પોલીસ ટીમો પર પણ હુમલો કર્યો હતો. તેમના તોફાન સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલના ઓએસડી જવાહર યાદવે કહ્યું હતું કે પોલીસ પોતાનું કામ કરી રહી છે. આસપાસના જિલ્લાઓની પોલીસ નૂહ પહોંચી ગઈ છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, જેથી અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરી શકાય. જો સામાન્ય લોકો ઘરમાં રહે તો પોલીસ-પ્રશાસન માટે તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.