Site icon Revoi.in

સરદાર સરોવર ડેમમાં 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 2019, 2020 અને 2022 પછી આ વર્ષે પણ 2023 માં પૂર્ણ જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો છે. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.

પાણીનો આ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈ અને પીવાનું પાણી નર્મદાનું પર્યાપ્ત પાણી મળી રહેશે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે કચ્છ સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદાના જળ આપવામાં આવી રહ્યા છે. અમૃત સરોવર અને રાજ્યના ગામોના તળાવોમાં જળ સંગ્રહ કરવામાં આવશે.

ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહિ, 63483 કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે, તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 17 લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.

નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતાનગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે. 2019, 2020 અને 2022માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે 2023માં ચોથીવાર 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન-અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.