Site icon Revoi.in

સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ નાયકોની વાર્તાઓ રાષ્ટ્રીય સ્મૃતિમાં અંકિત થવી જોઈએઃ ધર્મેન્દ્ર પ્રધાન

Social Share

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ​​સંસદ પુસ્તકાલયમાં શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ દ્વારા આયોજિત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, લોકસભા અને રાજ્યસભાના સંસદસભ્યો પણ હાજર હતા.

આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ પ્રદર્શન 1757 થી 1947 સુધીના ભારતના અંદાજે 200 વર્ષના ઇતિહાસની વાર્તાઓ દર્શાવે છે. આ પ્રદર્શનનો હેતુ એવા નાયકોની વાર્તાઓને પ્રકાશમાં લાવવાનો છે જે રાષ્ટ્રીય સ્મૃતિમાં અંકિત થવી જોઈએ. દેશભરના સાંસદો આ પ્રદર્શનના સાક્ષી બનશે અને પોતપોતાના મતવિસ્તારમાંથી વધુ ગુમનામ નાયકોનું સૂચન કરી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારો સાથે મળીને સાંસ્કૃતિક મંત્રાલય દેશભરમાં 100 સ્થળોએ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ આ પ્રદર્શન પ્રદર્શિત કરશે.