લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં તસ્કરો સોના-ચાંદીના દાગીના નહીં પરંતુ લીંબુની ચોરી કરી હતી. એટલું જ નહીં અજાણ્યા શખ્સો લીંબુના જથ્થાની સાથે ડુંગળી અને લસણની પણ ચોરી કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. હાલ એક કિલો લીંબુનો ભાવ રૂ. 400 જેટલો છે. આ ભાવ વધારા વચ્ચે 50 કિલો લીંબીની ચોરીની ઘટના બની હતી. શાકભાજીની દુકાનમાં ચોરીની ઘટના બનતા અન્ય નાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શાહજહાંપુરમાં આવેલા શાક માર્કેટમાં ચોરીની ઘટના બની હતી. મનોજ કશ્યપની શાક માર્કેટમાં દુકાન આવે છે. તેઓ માત્ર લીંબુ, મરચા, ડુંગળી અને લસણનું વેચાણ કરે છે. વેપારીએ જણાવ્યું હતું કે, મોડી રાતે અજાણ્યા શખ્સો ગોડાઉન ઉપર ત્રાટક્યાં હતા અને અંદરથી લીંબુ તથા અન્ય શાકભાજીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાંથી 50 કિલો લીંબુ, ડુંગળી તથા લસણની ચોરી કરી હતી. લીંબુના ભાવ વધારા વચ્ચે માર્કેટમાંથી લીંબુની ચોરી થતા વેપારીઓમાં પણ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. આ બનાવ અંગે વેપારીએ ચોરીની કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાના આરંભ સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ તથા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા પ્રજાની મુશ્કેલી વધી છે. દરમિયાન ઉનાળાના આરંભ સાથે જ લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં લીંબુની ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.