Site icon Revoi.in

ભાવનગર શહેરમાં જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર, વાહનચાલકો પરેશાન

Social Share

ભાવનગરઃ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર શરૂ થયો છે. રખડતા ઢોર મુખ્ય રસ્તાઓની બજારોમાં અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત જાન્યુઆરી માસથી દબાણ હટાવ, પ્લાસ્ટિક ડ્રાઈવ અને રસ્તા પર રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. પરંતુ કોર્પોરેશનની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. કમિશનર વહેલી સવારથી રાઉન્ડ લગાવી રસ્તા પર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો હટાવવા અને દુકાનોમાં ચેકિંગ કરી પ્લાસ્ટિક જપ્ત કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પુનઃ રોડ પર રખડતા ઢોરે અડીંગો જમાવી દીધો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી દબાણ, પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેઅભિયાન ચલાવી રહ્યા છે. ઘણી ખરી સફળતા પણ તેમાં મળી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મ્યુનિ.ના કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ માટે નીકળી પડે છે. અનેક વિસ્તારોમાં રસ્તા પરના દબાણો દૂર કરી અનેક લારી ગલ્લા સહિતની ચીજ વસ્તુઓ કબજે પણ કરવામાં આવી છે. પ્લાસ્ટિક ડ્રાઈવમાં પણ મસ મોટા દંડની બીકે વેપારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી દીધો છે. પરંતુ દબાણ અને પ્લાસ્ટિકની કામગીરી પૂરજોશમાં શરૂ કરતા રખડતા ઢોરને પકડવાની કામગીરી મંદ પડી ગઈ છે. શરૂઆતના તબક્કામાં રખડતા ઢોરને પકડવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. રખડતા ઢોરના માલિકો સામે પોલીસ ફરિયાદો પણ કરી હતી. છેલ્લે તો માત્રને માત્ર રખડતી ગાયોને જ પકડવામાં આવતી હતી. શહેરના અખિલેશ સર્કલ પાસે બનાવાયેલા ઢોર ડબ્બામાં રસ્તા પરથી પકડેલી ગાયોને રાખવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી ઢીલી પડી ગઈ છે. જેથી હાલમાં શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે. જેને કારણે નાના મોટા વાહન અકસ્માતો ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવે છે.