રાજકોટઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. રખડતા પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે. છતાં રસ્તે રઝળતા પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલો મ્યુનિ કોર્પોરેશનના સત્તાધિશોની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો. શહેરના સાધુવાસવાણી રોડ પર દૂધ લેવા નીકળેલા વૃદ્ધ વેપારીને ગાયે ઢીંક મારતા ગંભીર રીતે ઘવાયેલા વેપારીનું મોત નિપજ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક રહેતા રસિકલાલ મોરારજીભાઇ ઠકરાર (ઉ.વ.78) બે દિવસ પહેલા સવારે પોતાના ઘરેથી ચાલીને દૂધ લેવા નીકળ્યા હતા અને ગોપાલ ચોક નજીક બેંક પાસે પહોંચ્યા હતા ત્યારે એક ગાય દોડી આવી હતી અને વૃદ્ધ રસિકલાલને ઢીંક મારી હતી, ગાયે ઢીંક મારીને રસિકલાલને ઉલાળતા તે રસ્તા પર પટકાયા હતા, ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને ગાયને દૂર કરી ગંભીર રીતે ઘવાયેલા રસિકલાલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રસિકલાલ ઠકરાર જૂના માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા હતા, પરિવારના મોભીનાં મોતથી ઠકરાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને પગલે સાધુવાસવાણી રોડ વિસ્તારની સોસાયટીના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, આ વિસ્તારમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ છે, આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરી હતી, રજૂઆત કરવામાં આવે ત્યારે મનપા તંત્ર બે ત્રણ દિવસ ઢોર પકડની કાર્યવાહી કરે છે અને ત્યારબાદ ફરીથી એ જ ત્રાસ યથાવત્ રહે છે. રસ્તે રઝળતાં પશુઓના ત્રાસથી મુક્ત કરાવવા વિસ્તારના લોકોએ માંગ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર બે માસ પૂર્વે કેટલાક અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને ઢોર પકડવાની કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે વધારાનો પોલીસ બંદોબસ્ત માગીને તેમજ સ્ટાફ બમણો કરી કામગીરી વધુ તેજ બનાવવા જાહેરાત કરી હતી. આ કામગીરી માંડ એક સપ્તાહ ચાલુ રહી હતી અને હવે ફરીથી ઠંડી પડી ગઈ છે. જેના કારણે રાજકોટ શહેરમાં રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતી જ નથી. પાલિકા સ્ટાફ પર હુમલો કરાયો ત્યારે ઢોર ડબે પુરાયા અને હવે તંત્ર ડબે પુરાઈ જતાં ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો છે.