ભાવનગરમાં રખડતા પશુઓનો રોડ પર ઠેર ઠેર ત્રાસ, મ્યુનિ.ના સત્તાધિશોની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ
ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ તો હવે કાયમી બની ગયો છે.જેમાં ચોમાસા દરમિયાન તો શહેરના તમામ રોડ પર પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રોડ પર બેઠેલા પશુઓને લીધે વાહનચાલકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે. શહેરના રૂંધાયેલા વિકાસ અને રખડતા ઢોરને કારણે ભાવનગર શહેર ગોકુળીયુ ગામ બની રહ્યું છે. વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્ર અને શાસકો ઉણા ઉતર્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં તાજેતરમાં ડબ્બામાં પૂરેલા ઢોરને રસ્તા પર છૂટા મૂકી દેવાયા હતા. જ્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અખિલેશ સર્કલના ડબ્બામાંથી એરપોર્ટ રોડ પરના ડબ્બામાં ઢોરને ટ્રાન્સફર કરવામાં જ અનેક ઢોર નાસી છૂટયા હતા. જેથી હાલમાં ભાવનગર શહેરના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ઢોર જોવા મળે છે. રસ્તા પર અડિંગો જમાવેલા ઢોર ગંભીર સમસ્યા સર્જી રહ્યા છે. ઢોર ડબ્બામાંથી ઢોરને છૂટા મુકાયાની ઘટના બાદ 10 દિવસ થયા છતાં એકપણ ઢોર પકડવામાં આવ્યું નથી. 10 દિવસથી ઢોર પકડવાની કામગીરી બંધ છે. જેથી ભાવનગર શહેર ઢોરવાડો બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે. વાહનચાલકો તો ઢોરની સમસ્યાથી તોબા પોકારી ગયા છે. ઢોરને કારણે નાના મોટા અકસ્માતો રોજબરોજ બનતા રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા સમયે ઢોરની સમસ્યા અસહ્ય રીતે વકરતી હોવા છતાં તેનો આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. રખડતા ઢોરને કારણે અનેક લોકો મોતના મુખમાં પણ ધકેલાઈ ગયા છે છતાં મ્યુનિ. શાસકો કે તંત્રના પેટનું પાણી હલતું નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ભાવનગર શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જે વિસ્તારના રોડ પર રખડતા ઢોર ના હોય. થોડા દિવસો પૂર્વે ઢોરના ડબ્બામાં અમુક ઢોર મૃત્યુ પામ્યા બાદ ડબ્બામાંથી ઢોરને છુટા મુકાતા રાજકીય વિવાદ સર્જાયો હતો અને મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. અને રસ્તા પર 700 થી વધુ ઢોરનો વધારો થયો હતો. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલા અખિલેશ સર્કલ પાસેના ઢોરના ડબ્બામાં ગંદવાડને કારણે ઢોરની હાલત પણ કથળતી હોવાથી અને સાથોસાથ એરપોર્ટ રોડ પર આવેલા ઢોર ડબ્બામાં પરાજુ પાથરી વ્યવસ્થિત કરતા હતા. જેથી અખિલેશ સર્કલના ઢોર ડબ્બામાંથી એરપોર્ટ રોડ પરના ડબ્બામાં ટ્રાન્સફર કરવા માટે વાહનમાં ઢોરને ભરતા તેમાં પણ અનેક ઢોર નાસી છૂટયા હતા. જેથી ભાવનગરના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ઢોર જ નજરે પડે છે.